લખનઉઃ શહેરમાં કોર્ટની અંદર મુખ્તાર અન્સારીની નજીકના માફિયા અને ગેન્ગસ્ટર સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવાની હત્યાએ અતીક, અશરફ હત્યાકાંડને તાજો કરી દીધો હતો. આશરે 53 દિવસ પહેલાં પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરવામાં આવી હતી. હવે ગેન્ગસ્ટર જીવાની હત્યા કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે UPમાં ગેંગસ્ટર અને માફિયા કોના નિશાન પર છે. કોના કહેવા પર તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. અતીક, અશરફ હત્યાકાંડની જેમ જ જીવાની હત્યા કરવામાં આવી છે. આ હત્યાઓનો માસ્ટરમાઇન્ડ કોણ છે?
લખનઉના કૈસરબાગ કોર્ટમાં બપોરે હાજર થવા આવેલા મુખ્તાર અન્સારી ગેન્ગના શૂટર સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવાની જજની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા અને જીવા પર તાબડતોડ ગોળીઓ મારી હતી. આ હુમલાખોરોએ જજની સામે જીવા પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં કોર્ટના પ્રાંગણમાં જ જીવાનું મોત થયું હતું. જીવાના મોત પર લખનઉ કોર્ટમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ દરમ્યાન વકીલોએ હુમલાખોરોને પકડીને તેમને કોર્ટના પ્રાંગણમાં જ જબરદસ્ત ધુલાઈ કરી હતી.
આ બંને ઘટનાઓમાં ફરક માત્ર એટલો જ હતો કે જીવાની હત્યા કરવા હત્યારાઓ વકીલની વેશભૂષામાં આવ્યા હતા, જ્યારે અતીક, અફઝલની હત્યા કરવા હત્યારાઓ પત્રકાર બનીને આવ્યા હતા. આમ બંને હત્યાકાંડમાં પેટર્ન એકસમાન હતી. આ બંને હત્યાકાંડમાં વિદેશી પિસ્તોલનો ઉપયોગ થયો હતો.