મુંબઈઃ છેલ્લા અમુક દિવસોથી મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે. ચોમાસું ગયું, પણ ઠંડી હજી સુધી શરૂ થઈ નથી. ત્યાં એવી આગાહી કરાઈ છે કે આગામી દિવસોમાં મુંબઈમાં ‘તેજ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે મુંબઈવાસીઓને સાવધ રહેવાની ચેતવણી આપી છે. અરબી સમુદ્રમાં આ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે આવતી 21 ઓક્ટોબરના શનિવારે મુંબઈ ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર તથા ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ‘તેજ વાવાઝોડું’ ત્રાટકે એવી સંભાવના છે. એને લીધે 21-23 ઓક્ટોબરના દિવસોમાં મુંબઈમાં સૂસવાટા મારતો પવન ફૂંકાઈ શકે છે અને મુસળધાર વરસાદ પણ પડી શકે છે. આને પગલે પ્રશાસને સમુદ્રકાંઠાના ભાગોમાં ઉપાયયોજનાની શરૂઆત કરી દીધી છે.
અરબી સમુદ્રમાં અગ્નિ ખૂણે, પશ્ચિમ અને વાયવ્ય ખૂણાની દિશામાં ચક્રવાતનું નિર્માણ થઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર સમુદ્રસપાટીથી 3.1 કિ.મી. દૂર સુધી જોવા મળશે. લક્ષદ્વીપ ટાપુ પર આની સૌથી વધારે અસર પડવાની સંભાવના છે.
બંગાળના અખાત પરના આકાશમાં અગ્નિ ખૂણે હવાના ઓછા દબાણનું ક્ષેત્ર (લો પ્રેશર) સર્જાતાં દક્ષિણ ભારતના અમુક ભાગોમાં મુસળધાર વરસાદ પડ્યો છે. તે લો પ્રેશર પશ્ચિમ-વાયવ્ય દિશા તરફ આગળ વધવાની ધારણા છે. બીજી બાજુ, ગયા સોમવારથી અરબી સમુદ્ર પરના આકાશમાં પણ અગ્નિ ખૂણે ચક્રવાતી વાવાઝોડું સ્થિર અવસ્થામાં છે. તે પણ 20 ઓક્ટોબરે પશ્ચિમ-વાયવ્ય દિશામાં આગળ વધીને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે, અને ત્યારબાદ 21 ઓક્ટોબરે અરબી સમુદ્રના મધ્ય ભાગ ઉપર ડિપ્રેશનનું રૂપ ધારણ કરી શકે છે. આમ, બેવડી મુશ્કેલી જણાઈ રહી છે. જો ડિપ્રેશનની સ્થિતિ ઉગ્ર બનશે તો અરબી સમુદ્રના કાંઠાળ વિસ્તારોમાં આ વર્ષમાં ચોમાસા-બાદનું પહેલું વાવાઝોડું બનશે.