આ તો માત્ર ઝાંખી છે, મુંબઈ મહાપાલિકા બાકી છેઃ ભાજપ

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધા પછી ભાજપમાં ખુશીની લહેર છે. શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો દ્વારા મહા વિકાસ આઘાડી (MVA) સરકારને ટેકો નહીં આપવાના નિર્ણયની ઘોષણા કર્યાના કેટલાક દિવસો પછી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. જે પછી તાજ પ્રેસિડન્ટ હોટલમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે અને ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને પાર્ટીના અન્ય નેતાઓની સાથે મીઠાઈઓ વહેંચી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા હર્ષવર્ધન પાટિલે જણાવ્યું હતું કે ભાજપ શિવસેનાના 39 બળવાખોર વિધાનસભ્યો સાથે મળીને સારી સરકાર બનાવશે. અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ સંજય રાઉત પર હુમલો કરતાં તેમને શકુનિ મામા કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેના શકુનિ મામા છે. તેઓ ઉદ્ધવજીને NCP અને કોંગ્રેસની રાહે કામ કરવા માટે મજબૂર કરી રહ્યા હતા. રાજ્યને દેવેન્દ્ર ફડણવીસ જેવા મુખ્ય પ્રધાનની જરૂર છે.

હવે ઉદ્ધવના રાજીનામા પછી ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવવાનો દાવો રજૂ કરે એવી શક્યતા છે, જ્યારે એકનાથ શિંદે ડેપ્યુટી મુખ્ય પ્રધાન બને એવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી રાજ્યમાં રાજકીય ઘમસાણ પણ તાત્પૂરતું લગામ લાગશે, પણ ભાજપે એક ટ્વીટ કરી કહ્યું હતું કે આ તો માત્ર ઝાંખી છે, મુંબઈ મહાપાલિકા હજી બાકી છે.

એકનાથ શિંદેએ 21 જૂને ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો હતો. તેમણે શિવસેના અને અપક્ષ વિધાનસભ્યો સાથે મળીને 50થી વધુ MLAના ટેકાનો દાવો કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસના નિર્ણાયક ઘટનાક્રમ પછી 29 જૂને ઉદ્ધવ ઠાકરેએ CM પદેથી રાજીનામું આપ્યું હતું.