મુંબઈઃ શહેરમાં ગઈ કાલે કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવા 1,377 નોંધાયા હતા. સોમવારના દિવસે 809 કેસ નોંધાયા હતા. આમ મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (બીએમસી)માં ચિંતા પ્રસરી ગઈ છે.
કોવિડ-19ની પહેલી અને બીજી લહેરની સરખામણીમાં હાલ મુંબઈમાં કોરોનાના કેસ વધારે ઝડપી ગતિએ વધી રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, મુંબઈમાં કોરોનાની પહેલી લહેર વખતે કોરોના કેસોની 706 સંખ્યા પરથી 1,367 પર પહોંચતાં 12 દિવસ લાગ્યા હતા. બીજી લહેર વખતે 683 કેસ પરથી 1,325 આંકડે પહોંચતાં 20 દિવસ લાગ્યા હતા. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે નવી પરિસ્થિતિમાં, અનિવાર્ય એવી ત્રીજી લહેર દરમિયાન કેસની સંખ્યા 683 પરથી માત્ર ચાર જ દિવસમાં 1,377 પર પહોંચી ગઈ. મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના નવા 2,172 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈ કાલે ઓમિક્રોન વેરિઅન્ટથી કોઈ મરણ નોંધાયું નહોતું.