નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ CM અને PDPનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ હાલમાં કહ્યું હતું કે જો અબદુલ્લા ખાનદાને પાકિસ્તાનનો એજન્ડા ફોલો કર્યો હોત તો આજે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોત. તેમના આ નિવેદનથી વિવાદ વધે એવી શક્યતા છે.
શ્રીનગરના જૂના શહેરના નવાકદલમાં એક સભામાં PDPનાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે PM મોદી અને ભારતે કાશ્મીરના અબદુલ્લા પરિવારનો આભાર માનવો જોઈએ. જો શેખ અબદુલ્લા મુસ્લિમ બહુમતી હોવા છતાં ભારતની સાથે એક્સેશન ના કરતા તો આજે અમે આઝાદ હોત અથવા પછી સરહદને પાર પાકિસ્તાનની સાથે હોત.
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો, ત્યારે ઉમર અબદુલ્લાએ કાશ્મીર વિશે ભારતનો પક્ષ વિશ્વભરમાં ફેલાવ્યો હતો. મુફ્તી પરિવારે હુર્રિયતની સાથે વાતચીત શરૂ કરાવી અને યુવાઓને હિંસાથી દૂર રાખ્યા.
જમ્મુ-કાશ્મીરમાં આશરે 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરથી 370 હટ્યા પછી અને લદ્દાખના અલગ થયા પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. બધા રાજકીય પક્ષો ચૂંટણીમાં એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.
મહેબૂબા આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં અનંતનાગથી મેદાનમાં હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 27 ઓગસ્ટ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠક પર 279 ઉમેદવારે તેમના ઉમેદવારીપત્રો ભર્યા છે.