UAEએ ઉત્પાદન વધારતાં ક્રૂડની કિંમતમાં ઘટાડાનું વલણ

મેલબોર્નઃ સંયુક્ત આરબ અમિરાત (UAE)એ ક્રૂડનું ઉત્પાદન વધારવાના સંકેત આપતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં રેકોર્ડ સ્તરથી 18 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાથી બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ આશરે 111 અને અમેરિકી બેન્ચમાર્ક WTI 110 ડોલર પર આવ્યું હતું. રશિયા અને યુક્રેનની વચ્ચે જારી યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠો પ્રભાવિત થયો હતો. જેથી સાત માર્ચે ક્રૂડ પ્રતિ બેરલ 14 વર્ષની ઊંચાઈએ 139.13 ડોલરે પહોંચ્યું હતું.

સપ્લાય ચેઇનની વચ્ચે UAEના એમ્બેસેડરે કહ્યું હતું કે એ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલી તેજીને ખાળવા ઉત્પાદન વધારવાની તરફેણ કરે છે, જે પછી ક્રૂડમાં આશરે ત્રણ ડોલરનો ઘટાડો થયો હતો. UAEના ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાના નિર્ણયથી ભારતને વધુ લાભ થશે. ભારત એની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા વધારા છતાં પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતો નહીં વધારવાના નિર્ણયને પગલે સરકારી ઓઇલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.

UAE તત્કાળ દૈનિક ધોરણે આઠ લાખ બેરલનું ઉત્પાદન વધારી શકે છે. એનાથી રશિયા પર લાગેલા પ્રતિબંધોથી ઘટેલા પુરવઠાના સાતમા હિસ્સાની ભરપાઈ થઈ શકશે, એમ નિષ્ણાતોનું કહેવું છે. ઉત્પાદક દેશોને પણ આશંકા છે કે ક્રૂડની કિંમતો વધવાથીમાગ પર પ્રતિકૂળ અસર પડશે. બીજી બાજુ ઓપેક દેશો પણ ક્રૂડનું ઉત્પાદન વધારે એવી શક્યતા છે. જેથી અર્થતંત્રોમાં આવેલી સુસ્તી દૂર થશે કેમ કે પુરવઠો વધતાં ક્રૂડની કિંમતો ઘટાડાતરફી થશે.