નવી દિલ્હીઃ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદાઓના અમલના મામલે ઊભી થયેલી મડાગાંઠ યથાવત્ રહી છે, કારણ કે આજે એમની વચ્ચે મંત્રણાનો 10મો રાઉન્ડ કોઈ પણ પરિણામ લાવ્યા વિના પૂરો થઈ ગયો છે. હવે બંને પક્ષ 11મા રાઉન્ડની ચર્ચા માટે 22 જાન્યુઆરીએ મળશે.
આજની બેઠકમાં સરકારે ખેડૂતો સામે નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ તેનો અહેવાલ સુપરત ન કરે ત્યાં સુધી સરકાર તરફથી પણ કાયદાઓને સ્થગિત કરી શકાય છે. પરંતુ ખેડૂત સંગઠનોના આગેવાનોએ આ પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં. કદાચ 22 જાન્યુઆરીના રાઉન્ડમાં તેઓ હા કે ના પાડે. ખેડૂતોની માગણી ત્રણેય કૃષિ કાયદાઓને સરકાર રદ કરે એવી છે. સરકાર તે રદ કરવાનો ઈનકાર કરી રહી છે.