નવી દિલ્હીઃ કોરોના વાઇરસ ફેલાવાના જોખમને ધ્યાનમાં રાખતાં નકલી (ફેક) બાબાઓ દ્વારા દેશભરમાં ચલાવવામાં આવતા આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોને બંધ કરવાનો કેન્દ્રને આદેશ આપતી એક જનહિતની અરજી (PIL)નો સુપ્રીમ કોર્ટે બુધવારે સ્વીકાર કર્યો છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે આ આશ્રમોમાં અને આધ્યાત્મિક કેન્દ્રોની પૂરતી તપાસ કરવામાં આવે, કારણ કે ત્યાં હજારો મહિલાઓને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે.
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને એ.એસ. બોપન્નાની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી સિકંદરાબાદનિવાસી અરજીકર્તા ડમ્પાલા રામરેડ્ડીની અરજીનો સ્વીકાર કર્યો છે. કોર્ટે મહેતાને આ મામલે તપાસ કરવા કહ્યું છે. કોર્ટે બે સપ્તાહ પછી અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.
આશ્રમો માટે પણ માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ
આ સાથે અરજીકર્તા દ્વારા દેશમાં આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા સ્થપાતા આશ્રમો માટે પણ માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ કરવામાં આવી છે. વકીલ શ્રવણકુમારના માધ્યમથી નોંધવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારી અધિકારીઓ નકલી બાબાઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે, કેમ કે આ બાબાઓ અબુધ (ભોળા) લોકો – ખાસ કરીને મહિલાઓને ફસાવે છે. હજારો મહિલાઓને આશ્રમોમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે અને તેમને ડ્રગ્સ તથા નશીલા પદાર્થોનાં બંધાણી બનાવવામાં આવે છે.
અરજીકર્તા બળાત્કારના આરોપી દીક્ષિત પર પણ ગુસ્સે થયો હતો, કેમ કે જ્યાં તેને રખાયો હતો, એ દિલ્હીની રોહિણી આધ્યાત્મિકા વિશ્વ વિદ્યાલયમાં તેની પુત્રી પણ પાંચ વર્ષી રહે છે અને અનેક યુવતીઓની ફરિયાદને પગલે કોર્ટ દ્વારા નિમાયેલી પેનલે ત્યાં દરોડા પણ પાડ્યા હતા.
