કોરોના સંક્રમિતોની સંખ્યા 7.60 લાખને પાર, પશ્ચિમ બંગાળમાં લોકડાઉન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,879 નવા કેસ સામે આવ્યા છે અને 487 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત સાતમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,67,296 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 21,129 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,76,377 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,69,789એ પહોંચી છે.

પશ્ચિમ બંગાળમાં સાત દિવસ લોકડાઉન

પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં કોવિડ-19ના 986 કેસો સામે આવ્યા હતા. જ્યારે એક દિવસ પહેલાં 895 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ વધીને 7705 થયા છે. જેથી રાજ્યના કન્ટેનમેન્ટ ઝોન્સમાં લોકડાઉન  સાત દિવસ સુધી ગઈ કાલથી લાગુ કરવામાં આવ્યું હતું.

પાછલા 24 કલાકમાં 2,62,679ના કોરોના ટેસ્ટ

દેશમાં આઠ જુલાઈએ અત્યાર સુધીના સૌથી મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. પાછલા 24 કલાકમાં 2,67,061 સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 1,07,40,832 લોકોના કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

વિશ્વમાં કોરોનાનું જોખમ વધ્યું

કોરોના સંક્રમિતોની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી વિશ્વમાં 1.21 કરોડથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2.13 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે અને પાંચ હજારથી વધુનાં મોત થયાં છે.

અમેરિકામાં 24 કલાકમાં 61,000થી વધુ નવા કેસ

અમેરિકામાં પ્રતિ દિન રેકોર્ડ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પાછલા બે મહિનાની તુલનામાં હવે બે ગણા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં અમેરિકામાં અત્યાર સુધીના સૌથી વધુ 61,000 નવા કેસ નોંધાયા છે અને 881 લોકોનાં મોત થયાં છે. જોકે વિશ્વમાં સૌથી વધુ મોત પ્રતિ દિન બ્રાઝિલમાં થઈ રહ્યા છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 1,34,853 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 31.58 લાખને પાર થઈ ગઈ છે. અમેરિકાના ન્યુ યોર્કમાં સૌથી વધુ 4,24,263 કેસ નોંધાયા છે. માત્ર ન્યુ યોર્કમાં 32,311 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.