કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની પોલીસે ઉજ્જૈનથી ધરપકડ કરી

નવી દિલ્હીઃ કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ધરપકડ થઈ છે. પોલીસે ઉજ્જૈનથી તેની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉજ્જૈનના મહાકાલ મંદીરમાં તે સરેન્ડર કરવા ઈચ્છતો હતો પરંતુ પહેલા જ પોલીસને જાણકારી આપી દેવામાં આવી. એક ફોટો સામે આવ્યો છે જેમાં વિકાસ દુબે મંદીરમાં બેઠેલો દેખાઈ રહ્યો છે. પોલીસે વિકાસની ધરપકડ કરી તેને ત્યાંથી લઈ ગઈ છે. મહાકાલ મંદીરના સિક્યોરીટી ગાર્ડે જ પોલીસને જાણકારી આપી હતી. આશરે 10 રાજ્યોની પોલીસ વિકાસને શોધી રહી હતી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં વિકાસ પર કાર્યવાહી કરવા ગયેલી પોલીસ પર હુમલો કરીને આઠ પોલીસ કર્મચારીઓને શહિદ કરનારા હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ગુનાઓનો ઈતિહાસ લાંબો છે. બાળપણથી જ તે ગુનેગારોની દુનિયામાં પોતાનું નામ બનાવવા ઈચ્છતો હતો. પહેલા તેણે ગેંગ બનાવી અને લૂંટ, ચોરી, તેમજ મર્ડર કરવા લાગ્યો. 19 વર્ષ પહેલા તેણે પોલીસ સ્ટેશનમાં ઘુસીને એક રાજ્યમંત્રીની હત્યા કરી અને બાદમાં તેણે રાજનીતિમાં એન્ટ્રી લેવાના પ્રયત્નો શરુ કર્યાં. જો કે, ત્યાં સુધીમાં તો બહુ મોડુ થઈ ચૂક્યું હતું.

આજે સવારે જ પોલીસે વિકાસ દુબેના બે અન્ય સાથીદારો પ્રભાત મિશ્રા અને બઉઅનનું એન્કાઉન્ટર કર્યું છે. વિકાસના નજીકના માનવામાં આવતા આ બંન્ને ગુનેગારો કાનપુર કાંડમાં જોડાયેલા હતા. પ્રભાતને કાનપુરના પનકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ઘર્ષણમાં પોલીસે મોતને ઘાટ ઉતાર્યો છે. પ્રભાતને ફરીદાબાદથી પકડીને લાવવામાં આવી રહ્યો હતો અને ત્યાં જ તેણે પોલીસ પાસેથી હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. પોલીસની ગાડી પંચર થઈ જવાથી પ્રભાતે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રભાતે પોલીસનું હથીયાર છીનવીને ફાયર કર્યું જેમાં પોલીસના પણ બે જવાન ઘાયલ થયા છે. પ્રભાત બિકરુ ગામનો રહેવાસી હતો.

તો ઈટાવાના સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકોએ એક ગાડી લૂંટી અને પોલીસને ઘટનાની જાણ થતા જ કાર્યવાહી કરવા પહોંચી અને ત્યાં થયેલા એક એન્કાઉન્ટર દરમિયાન એક ગુનેગારને ગોળી વાગી અને તેની ઓળખ રણવીર ઉર્ફે બઉઅન તરીકે થઈ છે. બઉઅન પર 50,000 રુપિયાનુંં ઈનામ હતું. બઉઅન પોતાના ત્રણ સાથીદારો સાથે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બઉઅન પાસેથી 512 બોરની એક ડબલ બેરલ રાઈફલ અને એક પિસ્ટલ મળી આવી છે.