પ્રાઈવેટ પ્લેયર્સની એન્ટ્રી એ રેલવેનું ખાનગીકરણ નથી: પીયુષ ગોયલની સ્પષ્ટતા

નવી દિલ્હી: ભારતીય રેલવેના ખાનગીકરણને લઈને લાંબા સમયથી વાદ-વિવાદ અને ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે સ્પષ્ટતા કરી કે, ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નથી આવી રહ્યું. વર્તમાનમાં ચાલી રહેલી રેલવે સેવાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે. કેટલાક રૂટ્સ પર ખાનગી ટ્રેનો ચલાવવાથી રેલવેની સર્વિસમાં સુધારો થશે અને રોજગારીની નવી તકો ઉભી થશે. હકીકતમાં તાજેતરમાં જ સરકારે નવી પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં ભાગીદારી માટે પ્રાઈવેટ પ્લેયર્સોને આમંત્રણ આપ્યું હતું. ત્યારપછીથી રેલવેના ખાનગીકરણનો મુદ્દો વધુ ગરમ બન્યો છે.

કેન્દ્ર સરકારે 109 રૂટ પર પ્રાઈવેટ પ્લેયર્સની મદદથી 151 પ્રાઈવેટ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. સરકારની આ નિર્ણયથી રેલવેના ખાનગીકરણની ચર્ચાએ જોર પકડ્યું છે. પીયુષ ગોયલે આ મામલે ટ્વીટ કરીને આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે.

પીયુષ ગોયલે ટ્વીટમાં લખ્યું કે, રેલવેની વર્તમાનમાં ચાલી રહેલી સેવાઓમાં પરિવર્તન કર્યા વગર, ખાનગી ભાગીદારી દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ 151 નવી ટ્રેનો દોડાવાશે. આ ટ્રેનોનું ખાનગીકરણ નથી પણ ખાનગી ભાગીદારીથી આધુનિક સુવિધા, સુરક્ષા સહિત સીટોની ઉપલબ્ધતામાં વધારો થશે, જેની સીધો લાભ પેસેન્જરોને મળશે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર જે રૂટ્સ પર માંગ વધારે હશે એ રૂટ્સ પર જ ખાનગી ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વર્તમાન ટ્રેનો અને તેમના ટિકિટ દરમાં કોઈ અસર પડશે નહીં. માર્ડન ટ્રનો ચલાવવાનો ઉદેશ્ય મોર્ડન ટેક્નોલોજી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો છે.

વર્ષ 2023 સુધીમાં 109 જેટલા રૂટ્સ પર દોડનારી આ ખાનગી ટ્રેનોમાં વિમાનની જેમ સીટ પસંદગી, લગેજ અને ઓન બોર્ડ સર્વિસ માટે તમારે એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. આમાંથી જે આવક થશે તે ગ્રોસ રેવેન્યૂ હેઠળ ગણવામાં આવશે અને રેલવે સાથે ગ્રોસ રેવેન્યૂની વહેચણી થશે. મહત્વનું છે કે, IRCTC  ત્રણ ખાનગી ટ્રેનોની શરુઆત કરી ચૂક્યું છે. જેમાં લખનૌ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈ રૂટ પર તેજસ ટ્રેન અને વારણસી-ઈંદૌર રૂટ પર કાશી-મહાકાલ એક્સપ્રેસ નો સમાવેશ થાય છે.