નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં દિવાળી, છઠ પૂજા, કાલી પૂજા વગેરે દરમ્યાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાના કલકત્તા હાઇ કોર્ટના આદેશને જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી સહિત ચાલી રહેલી તહેવારોની સીઝન દરમ્યાન પશ્ચિમ બંગાળમાં ફટાકડા પર પ્રતિબંધની વિરુદ્ધની એક અરજી ફગાવી દેતાં એમાં દખલ દેવાનો ઇનકાર કર્યો હતો. બે સભ્યોની ખંડપીઠના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે જ્યાં જીવ સામે જોખમ હોય ત્યારે જીવનના રક્ષણથી મોટું કોઈ મૂલ્ય નથી. આ ખંડપીઠના અન્ય સભ્ય ઇન્દિરા બેનરજી છે. કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમ્યાન જીવનના રક્ષણથી વધુ મહત્ત્વપૂણ કંઈ નથી. હવે ખુદના જીવન જોખમમાં છે અને લોકોની સમસ્યા ઉકેલવા એકજૂટ થવું જોઈએ.
પશ્ચિમ બંગાળમાં દિવાળી, કાલી પૂજા અને છઠપૂજા દરમ્યાન ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ગઈ પાંચમી નવેમ્બરે કલકતા હાઇકોર્ટે એક વિડિયો લિન્કના માધ્યમથી આપેલા આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ સુનાવણી કરી હતી. કલકત્તા હાઈકોર્ટે આ પ્રતિબંધ કોરોના વાઇરસ રોગચાળાને ધ્યાનમાં લઈને મૂક્યો છે.
હાઇકોર્ટના આદેશ પછી કેટલીય જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી. વળી મમતા સરકારે પણ લોકોને ફટાકડા ન ફોડવાની વિનંતી કરી છે.