ભારત-ચીન સરહદ વિવાદ ઉકેલાઈ જવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ એક મહત્ત્વની ઘટનામાં, ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ ટૂંક સમયમાં કદાચ ઉકેલાઈ જશે, કારણ કે બંને દેશના લશ્કર પૂર્વીય લદાખ ક્ષેત્રના ભાગોમાંથી સૈનિકોને હટાવી લેવા માટે સહમત થયા છે. આ સહમતી અંતર્ગત બંને દેશના સૈનિકો આ વર્ષના એપ્રિલ-મે પહેલાં જે સ્થળોએ તૈનાત હતા ત્યાં પાછા જતા રહેશે. ગઈ 6 નવેમ્બરે ચુશુલમાં યોજાઈ ગયેલી બંને દેશના 8મા કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટ દરમિયાન ડિસએન્ગેજમેન્ટ પ્લાન (સૈન્યને હટાવી લેવાની યોજના) પર ચર્ચા થઈ હતી.

આ પ્લાનને ત્રણ તબક્કામાં વહેંચી દેવામાં આવ્યો છે. એનો અમલ એક અઠવાડિયામાં જ શરૂ કરવાનો રહેશે. પહેલા તબક્કામાં, પોન્ગોન્ગ સરોવર વિસ્તારમાંથી ટેન્કો અને તોપો તથા શસ્ત્રસજ્જ સૈનિકવાહનો સહિત તમામ સૈન્ય વાહનોને સરહદ પર આગળના ભાગમાંથી પાછા હટાવી લેવામાં આવશે. બીજા તબક્કામાં, પેન્ગોન્ગ લેકની ઉત્તર બાજુએથી બંને દેશ પોતપોતાના સૈનિકોને પાછળ હટાવી લેશે. ચીન પોતાના સૈનિકોને ફિંગર-8ની પાછળના ભાગમાં તેના જૂના સ્થાને ખસેડી લેશે અને ભારત પોતાની સેનાને ધ્યાનસિંહ પોસ્ટના પ્રશાસનિક પોસ્ટ નજીક પાછી ખસેડી લેશે. ત્રીજા તબક્કામાં, પેન્ગોન્ગની દક્ષિણ બાજુના વિસ્તારમાં બંને દેશની સેના પાછળ હટાવી લેવામાં આવશે.

હાલ પૂર્વીય લદાખમાં ઊંચા પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી હોવાથી બંને દેશના લશ્કર સમાધાન કરી લેવા સહમત થયા છે. 15-16 હજાર ફૂટની ઊંચાઈના સ્થળોએ હાલ માઈનસ 45 ડિગ્રી ઠંડી પડી રહી છે.