SC દ્વારા અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન મંજૂર

નવી દિલ્હીઃ 2018ની નોંધાયેલા આત્મહત્યા માટે મજબૂર કરવાને લગતા એક કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસે પકડેલા વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આજે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મુંબઈ હાઈકોર્ટે ગોસ્વામીની જામીન અરજને નકારી કાઢ્યા બાદ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, રાજ્ય સરકાર કોઈને ટાર્ગેટ ન બનાવે.

ન્યાયમૂર્તિઓ ડી.વાય. ચંદ્રચુડ અને ઈન્દિરા બેનરજીની બે-જજની બેન્ચે વિડિયો કોન્ફરન્સિંગ મારફત ગોસ્વામીની વચગાળાના જામીન અરજી પર સુનાવણી કરી હતી. ન્યાયાધીશોએ ટીવી એન્કર ગોસ્વામીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે ગોસ્વામી તથા અન્ય બે આરોપીને વ્યક્તિગત રૂ. 50,000ના બોન્ડ પર વચગાળાના જામીન મંજૂર કર્યા છે અને પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે આદેશનું તત્કાળ પાલન કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું છે કે એમણે તપાસમાં સહકાર આપવો અને સાક્ષીઓ સાથે કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરવો નહીં.