નેટફ્લિક્સ, ડિજિટલ મિડિયા હવે સરકારી રેગ્યુલેશનને આધીન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ ડિજિટલ મિડિયા પ્લેટફોર્મ્સને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવી દીધા છે. આ સાથે જ ઓનલાઇન ફિલ્મ્સ, ઓડિયો-વિઝ્યુઅલ પ્રોગ્રામ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ પરની કરન્ટ અફેર્સ સામગ્રીને પણ માહિતી-પ્રસારણના નિયંત્રણ હેઠળ લાવતો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર અને ડિજિટલ મિડિયાને માહિતી-પ્રસારણ મંત્રાલયને આધીન બનાવી દીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષરવાળા એક વટહુકમમાં કેબિનેટ સચિવાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 77ની ખંડ (3) દ્વારા સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે નિયમાવલિ, 1961ને સંશોધિત કરતાં આ નિર્ણય લીધો છે. આ નિયમોને કેન્દ્ર સરકાર (એલોકેશન ઓફ બિઝનેસ) 357 એમેડમેન્ટ રુલ્સ, 2020 કહેવામાં આવી શકે છે અને એ એક વારમાં જ લાગુ થશે.

હાલમાં ડિજિટલ કન્ટેન્ટને અંકુશમાં રાખવા માટે કોઈ કાનૂન અથવા સ્વાયત્ત સંસ્થા નથી. પ્રેસ કમિશન પ્રિન્ટ મિડિયાના નિયમન, ન્યૂઝ ચેનલો માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન અને એડવર્ટાઇઝિંગના નિયમન માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે. ફિલ્મો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન છે.

ગયા મહિને સુપ્રીમ કોર્ટે OTT પ્લેટફોર્મ્સ પર સ્વાયત્ત નિયમનની માગવાળી અરજીને લઈને કેન્દ્રની પ્રતિક્રિયા માગી હતી. કોર્ટે આ સંબંધે કેન્દ્ર સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્લેટફોર્મ્સને પગલે ફિલ્મમેકર્સ અને આર્ટિસ્ટ્સને સેન્સર બોર્ડનો ડર અને સર્ટિફિકેશન વગર કન્ટેન્ટ રિલીઝ કરવાની તક મળી ગઈ છે. OTT પ્લેટફોર્મ્સ પર ન્યૂઝ પોર્ટલ્સની સાથે-સાથે હોટસ્ટાર, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો જેવા સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પણ આવે છે.

મંત્રાલયે કોર્ટને અન્ય કેસમાં જણાવ્યું હતું કે ડિજિટલ મિડિયાના નિયમનની જરૂર છે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કોર્ટ મિડિયામાં હેટ સ્પીચને જોતા ગાઇડલાઇન્સ પણ જારી કરતાં પહેલાં એમિક્સ તરીકે એક સમિતિની નિમણૂક કરી શકે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]