મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમની વચ્ચે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે અયોગ્યતાના મુદ્દે શિવસેનાના બંને જૂથોના વિધાનસભ્યોને નોટિસ જારી કરી છે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના 40 વિધાનસભ્યો અને ઉદ્ધવ ઠાકરે જૂથના 14 વિધાનસભ્યોને નોટિસ જારી કરીને તેમની પાસે અયોગ્યતા અરજીઓ પર જવાબ માગ્યો છે.
મહારાષ્ટ્રમાં પહેલાં શિવસેના તૂટી અને હવે NCPમાં ઘમસાણ ચાલી રહ્યું છે. અજિત પવાર કાકા શરદ પવાર સામે બળવો પોકારીને શિંદે-ફડણવીસ સરકારમાં સાથે ચાલી ગયા છે. તેમને ડેપ્યુટી CM પદ મળ્યું છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ બળવો પોકારતાં ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ કર્યું હતું. સામાન્ય જનતાની સામે ભાવક થતાં મુખ્ય મંત્રી પદથી રાજીનામું આપ્યું હતું અને મુખ્ય મંત્રી નિવાસસ્થાન ખાલી કર્યું હતું. મહારાષ્ટ્રના સશક્ત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે મળીને સરકાર બનાવીને શાંતિથી તેમનું કામ કરતા રહ્યા.
શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો સામે પ્રક્રિયા ક્યારથી શરૂ થશે, એના જવાબમાં નાર્વેકરે કહ્યું હતું કે ટૂંક સમયમાં. આ સપ્તાહના પ્રારંભમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વિધાનસભાના અધ્યક્ષને અયોગ્યતા અરજીઓ પર જલદી સુનાવણી કરવાની વિનંતી કરી હતી. વિધાનસભ્ય સુનીલ પ્રભુએ અવિભાજિત શિવસેનાના મુખ્ય સચેતક તરીકે ગયા વર્ષે શિંદે અને અન્ય 15 વિધાનસભ્યોની વિરુદ્ધ અયોગ્યતા અરજી દાખલ કરી હતી, જ્યારે તેમણે (16 વિધાનસભ્યોએ) જૂન, 2022માં નવી સરકાર બનાવવા માટે બળવો પોકાર્યો હતો અને ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો.