સિદ્ધુના વિભાગનો આદેશઃ પંજાબમાં પાલતુ જાનવર પર આપવો પડશે ટેક્સ

ચંદીગઢ- ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુનો વિભાગ હવે પંજાબના લોકો પાસે પાલતુ શ્વાન અને પાલતુ બિલાડી સહિત કોઈપણ પ્રકારના પાલતુ જાનવર રાખવા માટે ટેક્સ વસુલશે. પંજાબના સ્થાનિક બોર્ડ નિગમે આ સંબંધિત એક નૉટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન અનુસાર કોઈપણ પ્રકારના પાલતુ પ્રાણીઓને રાખવા માટે પ્રતિવર્ષ 250 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે.

તો આ સાથે જ ભેસ, ઉંટ, ઘોડા, ગાય, હાથી અને નીલગાય સહિતના પાલતુ જાનવર રાખનારા લોકો પાસેથી 500 રૂપિયા પ્રતિવર્ષ ચાર્જ લેવામાં આવશે. પંજાબ સરકારે જણાવ્યું છે કે દરેક પાલતુ જાનવરનો એક બ્રાન્ડિંગ કોડ હશે. આ માટે ઓળખ નંબર આપવામાં આવશે અથવા તો માઈક્રો ચિપ લગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પહેલાથી જ ગૌ સેસના નામ પર કેટલીય વસ્તુઓ પર ટેક્સ વસુલી રહી છે, પરંતુ હવે ઘરોમાં જાનવરોને પાળવા માટે પણ લોકો પાસેથી ટેક્સ વસુલ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યોજના અંતર્ગત પાલતુ જાનવરો માટે લાઈસન્સ બનાવવામાં આવશે અને લાઈસન્સને દર વર્ષે રિન્યુ કરાવવું જરૂરી બની રહેશે. જો કોઈ વ્યક્તિ લાયસન્સને રિન્યુ નહી કરાવે તે વ્યક્તિ પાસેથી દંડ પણ વસુલવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]