ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે રાહતોનો પટારો ખોલી નાંખ્યો છે. અત્યાર સુધી વિવિધ માંગણી કરતાં સમાજો અને આશાવર્કર બહેનોને રાજ્ય સરકારે સહાય, રાહત અને વિવિધ છૂટ આપી છે. ચૂંટણી પહેલાની આ ગીફટનું પેકેટ આજે મંગળવારે સવારે નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ખોલ્યું હતું. એક પછી એક જાહેરાતો કરીને વિવિધ સમાજ અને સરકારી કર્મચારીઓને ખુશ કરી દીધા હતા. જો એકાદ બે દિવસમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તો આચારસંહિતા લાગુ પડી જશે, જે ભયમાં રાજ્ય સરકારે આજે જ અનેક રાહતોની લ્હાણી કરી દીધી હતી.કરાર આધારીત કર્મયોગીઓને રૂા.૨૫૦ સુધીનું દૈનિક-મુસાફરી ભથ્‍થુ, ૧૧ રજાઓ, ૯૦ દિવસની માતૃત્‍વ રજા અને રૂા.૨ લાખ સુધીની મૃત્‍યુ સહાય અપાશે

રાજય સરકારની વિવિધ કચેરી, બોર્ડ, કોર્પોરેશન, નિગમ, ગ્રાન્‍ટ-ઇન-એઇડ સંસ્‍થાઓ, સોસાયટી એકટ હેઠળ રજીસ્‍ટ્રડ થયેલ સંસ્‍થાઓમાં કોઇ પ્રોજેકટ, મિશન હેઠળ અથવા અન્‍ય કામગીરી માટે ૧૧ માસના કરાર આધારિત હજારો કર્મયોગીઓ ફરજ બજાવી રહયા છે. આ કર્મચારીઓના હિતમાં છેલ્‍લા કેટલાક સમયથી તેઓને મળતા લાભોમાં વધારો કરવાની બાબત રાજય સરકારના વિચારણામાં હતી. જેને તાજેતરમાં રાજય સરકારે ૧૧ માસના કર્મયોગીઓના હિતમાં મહત્‍વનો નિર્ણય કરીને કરાર આધારીત કર્મયોગીઓને રૂા.૨૫૦ સુધીની દૈનિક-મુસાફરી ભથ્‍થુ, વર્ષ દરમિયાન આકસ્‍મિક સંજોગો માટે ૧૧ વધારાની રજાઓ, મહિલા કર્મચારીઓને ૧ વર્ષ બાદના કરારના સમયગાળા પછી મહત્તમ ૯૦ દિવસની માતૃત્‍વ રજાઓ, કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અકસ્‍માત કે કુદરતી મૃત્‍યુ થાય તેવા કિસ્‍સામાં રૂા.૨,૦૦,૦૦૦/- લાખની મૃત્‍યુ સહાય તેમજ ૧૧ માસના કરારનો સમય પૂર્ણ થાય ત્‍યાર બાદ નિમણૂંકની મુદત લંબાવવા પાત્ર જણાય તેવા કિસ્‍સામાં વધુમાં વધુ ૧પ દિવસની સમય-મર્યાદામાં અચૂક પણે નિમણૂંક લંબાવવાના હુકમો સુનિશ્ચિત કરવાના રહેશે, ગુજરાત સરકારે આજે નિર્ણય કર્યો છે, તેમ નાયબ મુખ્‍યપ્રધાન નીતિનભાઇ પટેલે માહિતી આપી હતી.

૧૧ માસના કરાર આધારીત નિમાયેલા હજારો કર્મચારીઓને વધુ લાભો ઉપલબ્‍ધ થાય તે માટે અનેક નિર્ણયો કર્યા છે. જે કર્મચારીઓનો માસિક ફિકસ પગાર રૂા.૨૦,૦૦૦ સુધીનો હોય, તેઓએ ફરજ દરમિયાન ૬ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછુ રોકાયા હોય તેમણે રૂા.૧૦૦/- અને ૧૨ કલાકથી વધુ રોકાયા હોય તો રૂા.૧૫૦/- દૈનિક ભથ્‍થુ મળવાપાત્ર થશે. તેમજ રાજય એસ.ટી. નિગમની બસનું ભાડુ અથવા જો રેલવે દ્વારા પ્રવાસ કર્યો હોય તો રેલવેના બીજા વર્ગનું ટૂંકામાં ટૂંકા રૂટનું ભાડુ મસાફરી ખર્ચ પેટે મળવાપાત્ર થશે.

આ ઉપરાંત જે કર્મચારીઓનો માસિક ફિકસ પગાર રૂા.૨૦૦૦૧ થી ૪૦૦૦૧ સુધીનો હોય, તેઓએ ફરજ દરમિયાન ૬ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછુ રોકાયા હોય તેમણે રૂા.૧૫૦/- અને ૧૨ કલાકથી વધુ રોકાયા હોય તો રૂા.૨૦૦/- દૈનિક ભથ્‍થુ મળવાપાત્ર થશે. તેમજ રાજય એસ.ટી. નિગમની બસનું ભાડુ અથવા જો રેલ્‍વે દ્વારા પ્રવાસ કર્યો હોય તો રેલ્‍વેના બીજા વર્ગનું ટુંકામાં ટુંકા રૂટનું ભાડુ મસાફરી ખર્ચ પેટે મળવાપાત્ર થશે. જયારે જે કર્મચારીઓનો માસિક ફિકસ પગાર રૂા.૪૦૦૦૧ થી વધુ હોય, તેઓએ ફરજ દરમિયાન ૬ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછુ રોકાયા હોય તેમણે રૂા.૨૦૦/- અને ૧૨ કલાકથી વધુ રોકાયા હોય તો રૂા.૨૫૦/- દૈનિક ભથ્‍થુ મળવાપાત્ર થશે. તેમજ રાજય એસ.ટી. નિગમની બસનું ભાડુ અથવા જો રેલ્‍વે દ્વારા પ્રવાસ કર્યો હોય તો રેલ્‍વેના બીજા વર્ગનું ટુંકામાં ટુંકા રૂટનું ભાડુ મસાફરી ખર્ચ પેટે મળવાપાત્ર થશે.

કર્મચારીઓને મળવાપાત્ર પરચુરણ રજાઓ ઉપરાંત અન્‍ય આકસ્‍મિક સંજોગો માટે વાર્ષિક વધારાની ૧૧ રજાઓ મળશે. આ રજા મંજુર કરવા માટે સંબંધિત કચેરીના વડા સક્ષમ સત્તાધિકારી ગણાશે. આ રજાના સમયગાળા દરમિયાન નિયમ અનુસાર પગાર મળવાપાત્ર થશે. આ રજાઓ આગામી વર્ષમાં તબદીલ કરી શકાશે નહીં. ઉપરાંત મહિલા કર્મચારીઓના કિસ્‍સામાં એક વર્ષબાદના કરારના સમયગાળા પછી મહત્તમ ૯૦ દિવસની માતૃત્‍વની રજાઓ (મેટરનટી લીવ) મળવાપાત્ર થશે. આ રજાઓ બે બાળકો પુરતી મર્યાદીત રહેશે. આ રજાઓ દરમિયાન નિયમ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે. વધુમાં એક વર્ષના સમયગાળાની સેવાઓ પહેલા મેળવવામાં આવેલ માતૃત્‍વની રજાઓ બીન પગારની ગણવાની રહેશે. જેને આ રજાઓ મંજુર કરવાની સત્તા કચેરીના વડા પાસે રહેશે.

આ ઉપરાંત જો કોઇ કર્મચારીનું ફરજ દરમિયાન અકસ્‍માત કે કુદરતી મૃત્‍યુ થાય તો તેવા કિસ્‍સામાં તેમના કુટુંબને (સીધી લીટીના કાયદેસરના વારસદારને) રૂા.૨,૦૦,૦૦૦/-ની મૃત્‍યુ સહાય મળવાપાત્ર થશે.

૧૧ માસના કરારના ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓના કિસ્‍સાઓ જો કોઇ કર્મચારી દ્વારા કોઇ ગેરરીતિ કે ગેરવર્તણૂંક થયેલ ન હોઇ, નાણાંકીય ઉચાપાતના આક્ષેપો ન હોય, જે યોજનામાં કામ કરતા હોય તે યોજના બંધ થતી ન હોય તેમજ કર્મચારીએ સ્‍વૈચ્‍છિક રાજીનામુ આપ્‍યુ ન હોય તેવા કર્મચારીઓના કિસ્‍સામાં ૧૧ માસના કરારનો સમય પૂર્ણ થાય ત્‍યાર બાદ નિમણૂંકની મુદત લંબાવવા પાત્ર જણાય તેવા કિસ્‍સામાં વધુમાં વધુ ૧પ દિવસની સમય-મર્યાદામાં અચૂક પણે નિમણૂંક લંબાવવાના હુકમો સુનિશ્ચિત કરવાના રહેશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, આઉટસોર્સથી નિમણૂંક પામેલ કર્મચારીઓના કિસ્‍સામાં ઉપરોકત લાભો મળવાપાત્ર થશે નહીં.સૂક્ષ્મ સિંચાઇ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ જી.એસ.ટી. ભરવાનો રહેશે નહીં

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિના લાભાર્થી ખેડૂતોએ હવે ૧૮%ના દરે જી.એસ.ટી. ભરવાનો રહેશે નહીં. સુક્ષ્મ સિંચાઇ યોજનાના લાભાર્થી ખેડૂતો ઉપર જીએસટીનો વધારાનો બોજો ન પડે અને આ યોજનાનો ખેડૂતો વધુ લાભ લઇ શકે તે માટે ખેડૂતો માથે આવતું ટેક્ષનું ભારણ રાજ્ય સરકારે પોતે ભોગવવાનું નક્કી કર્યું છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિના લાભાર્થી ખેડૂતોએ તા.૦૧/૦૭/૨૦૧૭થી ૧૮%ના દરે જી.એસ.ટી. ભરવાનો રહે છે. આમ, હવે સુક્ષ્મ સિંચાઇ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોને માથે જી.એસ.ટી.નું ભારણ શૂન્ય કરાયું છે. જેના કારણે ચાલુ વર્ષે રાજ્ય સરકાર ઉપર રૂ.૭૭.૬૪ કરોડનું વધારાનું ભારણ પડશે.પ્રજાલક્ષી યોજનાકીય લાભો મેળવવા માટેની આવક મર્યાદામાં વધારો કરાયો

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વ્‍યક્તિલક્ષી કલ્‍યાણકારી યોજનાઓના લાભો મેળવવા માટે ગ્રામ્‍ય વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂા.૪૭,૦૦૦/- નિયત થયેલી છે જેમાં, સુધારો કરી રૂા.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તારો માટે વાર્ષિક આવક મર્યાદા રૂા.૬૮,૦૦૦/-નિયત થયેલી છે. જેમાં સુધારો કરી રૂા.૧,૫૦,૦૦૦/- કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

આવક મર્યાદામાં આ મુજબ વધારો કરાતા, રાજય સરકાર ઉપર વધારાનો અંદાજે કુલ રૂા.૫૬.૬૩ કરોડ નો બોજો પડશે અને વધારાના અંદાજે ૨.૫૦ લાભ લાભાર્થીઓને લાભ મળશે.

આશાવર્કર બહેનોને મળતી પ્રોત્સાહક રકમમાં ૫૦%નો વધારો

રાજ્યની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આશાવર્કર બહેનોને હાલમાં મળતી પ્રોત્સાહક રકમમાં ૫૦%નો તા.૦૧/૦૪/૨૦૧૭ની અસરથી વધારો કરવામાં આવ્યો છે. જેનો રાજ્યની ૪૦,૦૦૦ કરતાં પણ વધુ આશાવર્કર બહેનોને પ્રોત્સાહક રકમમાં વધારાનો લાભ મળશે. જેના કારણે રાજ્ય સરકાર ઉપર અંદાજિત વાર્ષિક રૂ.૫૭.૧૪ કરોડનો બોજો પડશે.

રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આશાવર્કર બહેનો દ્વારા આરોગ્ય સેવાઓના યોગદાનના કદર રૂપે દરેક આશાવર્કર બહેનને વર્ષમાં એક વખત બે સાડી અથવા ડ્રેસ વિના મૂલ્યે આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના માટે રાજ્ય બજેટમાંથી રૂ.૫.૩૦ કરોડ અને એન.એચ.એમ.માંથી રૂ.૧.૮૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આશાવર્કર બહેનોને સરકાર દ્વારા નિયત કરેલ આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ માટે કામગીરીના આધારે પ્રોત્સાહક રકમ ચૂકવામાં આવે છે. જે અંદાજે પ્રતિમાસ રૂ.૨,૦૦૦ થી ૨,૫૦૦ જેટલી થતી હોય છે.