કોરોનાના કેસોની સંખ્યા 91 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 91 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,059 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 511 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 91,39,865 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,33,738  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 85,62,641 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24  કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,486એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

આજથી ચાર મહાનગરોમાં કાયદા કડક બનશે

દિવાળી  પહેલાં ખરીદી કરવાના બહાને લોકોએ બજારોમાં ભારે ભીડ કરી અને રજાઓમાં મોટી સંખ્યામાં લોકો પ્રવાસે ગયા, એટલું જ નહીં પરંતુ કોરોનાના નિયમોનું  ઉલ્લંઘન કર્યું. જેના કારણે કોરોના કેસોમાં ઉછાળો આવતાં રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાતે 9 કલાકથી સવારનાં 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આજથી આ ચારેય મહાનગરોમાં પોલીસ મિશન માસ્ક શરૂ કરવાની છે. જેમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવાની પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.