છત્તીસગઢ વિધાનસભામાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો મુદ્દો ગૂંજ્યો

રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભામાં રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી પક્ષ કોંગ્રેસ નથી ઇચ્છતી કે રાજ્યના લોકો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જુએ. વિધાનસભામાં સોમવારે ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન બ્રિજમોહન અગ્રવાલે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર થિયેટરમાલિકોથી એની ખાતરી કરી રહી છે કે લોકો મોટી સંખ્યામાં આ ફિલ્મ ના જુએ.

તેમણે કહ્યું હતું કે કે ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના દર્દ અને સચ્ચાઈને બતાવવામાં આવી છે અને દેશમાં દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા ઇચ્છે છે, પણ રાજ્ય સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની હત્યા કરી રહી છે. ફિલ્મ રાજ્યનાં ત્રણ થિયેટરોમાં બતાવવામાં આવી રહી છે, પણ એની ટિકિટ વેચવામાં નથી આવી રહી, કેમ કે રાજ્ય સરકારના દબાણમાં થિયેટરમાલિકો માત્ર 10-15 ટિકિટ વેચીને હાઉસફુલનાં પાટિયાં લગાવી રહ્યાં છે. કેટલાંય રાજ્યોએ આ ફિલ્મને મનોરંજન કરમાંથી છૂટ આપી છે. તેમણે છત્તીસગઢમાં પણ આ ફિલ્મને મનોરંજન કરમાંથી મુક્તિની માગ કરી હતી. તેમની પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓની સાથે ફિલ્મ દેખશે, એમ તેમણે કહ્યું હતું.

અગ્રવાલના આરોપોનું ખંડન કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે ભાજપ ફિલ્મ પર રાજકારણ કરવાના પ્રયાસ કરી રહ્યો છે અને એ હિન્દુત્વના નામ પર માત્ર હિન્દુ ધ્રુવીકરણનું રાજકારણ કરી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા ભાજપના નેતાઓ કાશ્મીરી પંડિતોના ઉપર થયેલા અત્યાચારોનું રાજકારણ કરવા ઇચ્છે છે. તેમની પીડાથી તેમને કોઈ મતલબ નથી, એમ કોંગ્રેસના પ્રવક્તા ધનજય સિંહ ઠાકુરે કહ્યું હતું.