ફિલ્મના રિવ્યૂ નકારાત્મક આવતાં પ્રભાસના-ચાહકે આત્મહત્યા કરી

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નૂલ શહેરમાં એક અપ્રિય ઘટના બની છે. ‘ટોલીવુડ.નેટ’ના અહેવાલ મુજબ, દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘રાધે શ્યામ’ના પ્રેસ રિવ્યૂ નકારાત્મક આવતાં પ્રભાસના એક ચાહકે પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. મૃતકનું નામ હતું મુથાલા રવિ તેજા. તેણે આ ફિલ્મ રિલીઝ થઈ એ જ દિવસે – 11 માર્ચે જોઈ હતી. ફિલ્મ જોઈને એ અપસેટ થઈ ગયો હતો અને એની માતા તથા ખાસ મિત્રને એની જાણ કરી હતી. મુથાલા રવિ તેજા 24 વર્ષનો હતો અને વેલ્ડર તરીકે કામ કરતો હતો. પોલીસે કેસ નોંધ્યો છે અને મુથાલા રવિ તેજાના મૃત્યુના ખરા કારણ વિશે તપાસ શરૂ કરી છે.

 

રાધા કૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિતત ‘રાધે શ્યામ’ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેની જોડી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મને મિશ્ર પ્રત્યાઘાત સાંપડ્યા છે.