ભારતીય સેનાએ પાકના ચાર સૈનિકને ઠાર કર્યા

પુંચઃ કોરોના સંકટના દોરમાં પણ પાકિસ્તાન અટકચાળા કર્યા કરે છે. પાકિસ્તાની સેનાએ પુંચ ક્ષેત્રમાં ગઈ કાલ સવારથી સાંજ સુધી નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની અગ્રિમ ચોકીઓ અને રહેઠાણ ક્ષેત્રોમાં ભારે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય સેનાએ ચાર પાક સૈનિકોને ઠાર કર્યા હતા. નવા ઘટનાક્રમથી LoC પર સ્થિતિ તનાવપૂર્ણ છે.  

સવારથી સાંજ સુધી ગોળીબાર

પાક સેના દ્વારા સવારથી સાંજ સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી પાક સેનાએ અચાનક પુંચ ક્ષેત્રમાં ગોળીબાર શરૂ કર્યો હતો. પ્રારંભમાં ગોળીબાર ઓછઓ હતો, પણ પછી ભારે ગોળીબાર શરૂ થયો હતો. પાકે ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી અને પછી રહેવાસી વિસ્તારમાં મોર્ટારથી હુમલો કર્યો હતો. જેથી ગામોમાં અફરાતફરી મચી હતી. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને પાક સેનાના ચાર જવાનોને ઢેર કર્યા હતા અને પાંચથી વધુ જવાન ઘાયલ થયા હતા. ચાર ચોકીઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી હતી.

પાકિસ્તાની સેનાએ મોડી સાંજ સુધી ગોળીબાર જારી રાખ્યો હતો. પાછલા કેટલાય દિવસોથી પાક સેના રાજૌરી જિલ્લાના મંજાકોટ, કલાલ, સુંદરબની, કેરી ક્ષેત્રની સાથે પુંચના તરકુંડી, બાલાકોટ, કૃષ્ણા ઘાટી, બીજી, શાહપુર સહિત અનેક વિસ્તારોમાં ગોળીબાર કરી રહી છે. પાકિસ્તાની સેનાએ પુંચ જિલ્લાનાં પાંચ ક્ષેત્રોની ભારતીય ચોકીઓ અને બે ડઝન ગામોમાં ગોળીબાર કર્યો હતો.જોકે ભારતીય સેનાએ વળતો પ્રહાર કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]