હાઇકોર્ટે સ્પીડમર્યાદાને 120 સુધી વધારવાના આદેશને રદ કર્યો

ચેન્નઇઃ મદ્રાસ હાઇકોર્ટે કૈન્દ્ર સરકારના હાઇવે પર ચાલતાં વાહનો માટે પ્રતિ કલાક 120ની સ્પીડ નક્કી કરતા નોટિફિકેશનને રદ કર્યો છે. જસ્ટિસ એન. કિરુબાકરણ (નિવૃત્ત) અને ન્યાયમૂર્તિ  ટીવી થમિલસેલ્વીની ખંડપીઠે  હાલમાં છઠ્ઠી એપ્રિલ, 2018નું નોટિફિકેશન રદ કરી દીધું છે. એ સાથે કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને સ્પીડની મર્યાદા ઘટાડીને નવું નોટિફિકેશન જારી કરવા નિર્દેશ આપ્યા છે. આ વર્ષે ત્રીજી માર્ચે એક અરજી પર વચગાળાનો આદેશ પસાર કરતાં ખંડપીઠે અરજીકર્તાને વળતરની રકમ રૂ. 18.43 લાખથી વધારીને રૂ. 1.50 કરોડ કરી દીધી હતી, કેમ કે અરજીકર્તા એક ડેન્ટિસ્ટ છે. વળી, એપ્રિલ, 2013માં તામિલનાડુના કાંચીપુરમમાં એક રોડ દુર્ઘટનામાં તે 90 ટકા સુધી દિવ્યાંગ થઈ ગયો હતો. ખંડપીઠે 12 સવાલો ઊભા કર્યા છે, જેમાં પહેલો કેન્દ્ર સરકારને 2018ના નોટિફિકેશન પર પુનર્વિચાર કરવા નિર્દેશ આપતાં પ્રતિ કલાક 120 બાબતે નિર્દેશ આપ્યો છે. કોર્ટે ઓગસ્ટમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટ સુપરત કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

જોકે કેન્દ્રએ સ્પીડ મર્યાદા વધારવા બાબતે કોર્ટને કહ્યું હતું કે સારી એન્જિન ટેક્નોલોજી અને રોડ બાંધકામની ગુણવત્તામાં સુધારાને કારણે તેમ જ સ્પીડ મર્યાદાની સમીક્ષા કરવા નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી હતી અને એની ભલામણોને આધારે મંત્રાલય દ્વારા વિવિધ રસ્તાઓ પર વાહનો માટે મહત્તમ સ્પીડની મર્યાદાને સંશોધિત કરીને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પણ સામે પક્ષે કોર્ટે નોંધ્યું હતું કે ઓવરસ્પીડિંગ રસ્તાઓ પરના અકસ્માતોનું મુખ્ય કારણ છે, જેને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિન ટેક્નોલોજીમાં સુધારાથી કંઈ લાગતુવળગતું નથી અને એનાથી અકસ્માતોમાં ઘટાડો થાય એવું નથી.