નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં હવે અન્ય રાજ્યોમાંથી આવનારાં વાહનો પર એક ટકો ગ્રીન સેસ લાગશે. આ ગ્રીન સેસ માટેનો પ્રસ્તાવ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી રાજ્યમાં આવનારાં વેપારી વાહનો પાસેથી એન્ટ્રી ટેક્સ વસૂલ કરી શકાય, પણ હવે વેપારી અને ખાનગી વાહનો પાસેથી એક ટકો ગ્રીન સેસ વસૂલવામાં આવશે.
અન્ય રાજ્યોમાંથી ઉત્તરાખંડ આવનારાં વાહનો પર સરકાર ગ્રીન સેસ લગાવશે. આ માટેનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવશે. પરિવહનપ્રધાન ચંદન રામદાસે કહ્યું હતું કે એ સેસ એક ટકો રાખવામાં આવશે. પરિવહન વિભાગ બહારથી આવનારાં વેપારી વાહનો પાસેથી એન્ટ્રી ટેક્સ વસૂલ કરે છે, પણ હવે વેપારી અને ખાનગી વાહનો પાસેથી એક ટકો ગ્રીન સેસ વસૂલવામાં આવશે. એના માટે પરિવહન વિભાગ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ સેસનો ઉપયોગ રસ્તાની સુરક્ષાનાં કાર્યોમાં કરવામાં આવશે. આવક આવશે, જેનાથી રસ્તાની સુરક્ષા મજબૂત થશે. ગ્રીન સેસ એવો હશે, જેનાથી જનતા પર વધુ બોજ ના પડે. ટૂ વ્હીલર અને ટ્રેક્ટર સિવાયનાં અન્ય રાજ્યોથી આવનારાં વાહનો પર એ સેસ લાગશે. આ ગ્રીન સેસ વાહનોની હાઇ સિક્યોરિટી નંબર પ્લેટને આધારે લગાવવામાં આવશે.
બધી ચેકપોસ્ટ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગ્નિશન કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની મદદથી ઉત્તરાખંડની સરહદમાં ઘૂસવાવાળાં પ્રત્યેક વાહનના ટેક્સ ચેક કરવામાં આવશે. એને આધારે ગ્રીન સેસ વસૂલવામાં આવશે. ગ્રીન સેસ માટે વ્યાપક સ્તરે પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
