રીયર-સીટબેલ્ટ અંગે પોતાના ડ્રાઈવરોને ઉબેર કંપનીનો આદેશ

મુંબઈઃ લોકોને સફર કરાવતી કંપની ઉબેર ટેક્નોલોજીસે ભારતમાં તેના ડ્રાઈવરોને આદેશ આપ્યો છે કે એમના વાહનોમાં પાછળની સીટ પરના સીટબેલ્ટ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે કે નહીં અને તે સીટબેલ્ટ બરાબર કામ કરે છે કે નહીં એની તેઓ બરાબર ચકાસણી કરી લે. ઉલ્લેખનીય છે કે, ટોચના ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી અને એમના મિત્ર જહાંગીર પંડોલનું ગઈ 4 સપ્ટેમ્બરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારોટી સ્થળ નજીક કાર અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા બાદ ઉબેર કંપનીએ તેના ડ્રાઈવરોજોગ આદેશ બહાર પાડ્યો છે.

મિસ્ત્રીનાં મરણને પગલે ભારતમાં માર્ગ-સુરક્ષા મામલે વ્યાપક ચિંતા પ્રસરી છે. ભારત દેશ દુનિયામાં કાર વેચાણ માટે ચોથા નંબરની સૌથી મોટી માર્કેટ છે. મીડિયામાં એવા અહેવાલો હતા કે સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ કારમાં પાછળની સીટ પર બેઠા હતા અને એમણે સીટબેલ્ટ બાંધ્યો નહોતો.

ઉબેરે તેના ડ્રાઈવરોને આપેલા આદેશમાં જણાવ્યું છે કે ભારતમાં ઉબેરના ડ્રાઈવરોને કોઈ દંડ ફટકારવામાં ન આવે અને એમની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવામાં ન આવે એટલા માટે તેમણે ખાસ ધ્યાન રાખવું કે એમના વાહનોમાં પાછળની સીટ પર સીટબેલ્ટ ઉપલબ્ધ હોય અને એ બરાબર કામ કરતા હોવા જોઈએ.

વિશ્વ બેન્કે ગયા વર્ષે કહ્યું હતું કે ભારતમાં દર ચાર મિનિટે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે.

ભારત સરકારે પાછલી સીટ પર બેસનારાઓ માટે સીટબેલ્ટ બાંધવાનું ફરજિયાત બનાવ્યું છે, પરંતુ બહુ ઓછા લોકો એનું પાલન કરે છે. કાયદાની અમલબજાવણી પણ કંગાળ છે. કાયદાનું પાલન ન કરનારને રૂ. 1000ના દંડની જોગવાઈ છે. મોટા ભાગના કાર અને ટેક્સી માલિકો સીટબેલ્ટની ઉપર સીટ કવર્સ મૂકાવે છે એટલે સીટબેલ્ટ નજરે ચડતા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]