મુંબઈમાં ‘વોન્ટેડ’ ડ્રગ્સના દાણચોરને ઈન્ટરપોલે આયરલેન્ડમાં પકડ્યો

મુંબઈઃ કેફી પદાર્થોની દાણચોરી કરવા બદલ મુુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ વિભાગ, કેન્દ્ર સરકારની એજન્સીઓ – નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ), ઈન્ડિયન કસ્ટમ્સ, ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને દિલ્હી પોલીસના સ્પેશિયલ વિભાગ સહિત ભારતના અનેક સુરક્ષા સત્તાવાળાઓ જેને શોધી રહ્યા હતા તે ભાગેડૂ ડ્રગ્સ દાણચોર કૈલાશ રાજપૂતને ઈન્ટરપોલ સંસ્થાએ આયરલેન્ડમાં પકડી લીધો છે. કૈલાશ રાજપૂત ભાગેડૂ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના નાના ભાઈ અનીસ ઈબ્રાહિમ સાથે યૂએઈ, બ્રિટન અને જર્મનીમાં કેફી દ્રવ્યોનો ધંધો સંભાળતો હોવાનું કહેવાય છે. હાલ એને લંડનની જેલમાં રાખવામાં આવ્યો છે. આ સાથે જ એના ભારતમાં પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

એ નકલી પાસપોર્ટ પર વિમાન પ્રવાસ કરતો હતો. મુંબઈ પોલીસે તેની આંગળીઓની છાપ, તસવીરો, એફઆઈઆર કોપીઓ, કોર્ટના સમન્સ દસ્તાવેજો સહિતની તમામ જરૂરી વિગતો કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના ઈન્ટરપોલ વિભાગને સુપરત કરી હતી, જેથી એના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી શકાય. રાજપૂત 2014માં ભારતમાંથી ભાગી ગયો હતો અને તે પછી યૂએઈમાંથી કાળા ધંધા ચલાવતો હતો. એ પછી તે નકલી પાસપોર્ટ પર અવારનવાર બ્રિટન અને જર્મની પણ ગયો હતો.