કાળાં કપડાંવાળાઓનું ‘ભવિષ્ય’ પણ કાળું છેઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ મણિપુર હિંસાને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ગજગ્રાહ ચાલુ છે. લોકસભા પછી રાજ્યસભામાં પણ જોરદાર હંગામો થયો છે. વિપક્ષી ગઠબંધન INDIAના ઘટક પક્ષોના સાંસદ મણિપુર મુદ્દે સરકારના વલણ પર વિરોધ દર્શાવવા માટે કાળાં કપડાં પહેરીને સંસદમાં પહોંચ્યા હતા. વિપક્ષના સાંસદો દ્વારા કાળાં કપડાં પર રાજ્યસભામાં સંસદના નેતા, પીયૂષ ગોયલે કહ્યું હતું કે કાળાં કપડાં પહેરવાવાળા લોકો લોકોને સમજી નથી શક્યા કે દેશની વધતી તાકાત આજે શું છે? જેમનાં મન અને તન કાળાં છે, તેમના દિલમાં શું છુપાયેલું છે. તેમનો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય કાળાં છે, પણ અમને આશા છે કે તેમની જિંદગીમાં પણ ઉજાસ આવશે.

તેમણે કહ્યું હતું કે આટલા ગંભીર મામલે પણ રાજકારણ રમાઈ રહ્યું છે, એ દુર્ભાગ્ય છે. આ ભારતના સન્માનનો મામલો છે. વિશ્વની સામે ભારતની ઊભરતી છબિનો મામલો છે.

મણિપુર હિંસાને લઈને સંસદનાં બંને ગૃહોમાં હંગામો થયો હતો. જેથી પહેલા લોકસભા અને પછી રાજ્યસભાની કાર્યવાહી બપોર સુધીમાં સ્થગિત કરવામાં આવી હતી.  

રાજ્યસભામાં વિદેશપ્રધાન એસ જયશંકરની વિદેશ નીતિ પર નિવેદન દરમ્યાન વિપક્ષી સાસંદ- પ્રધાનમંત્રી સંસદમાં આવો, સંસદમાં આવો-ના સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા. ત્યારે ભાજપના સાંસદોએ મોદી-મોદીનો સૂત્રોચ્ચાર કર્યો હતો.

સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

કોંગ્રેસે મણિપુર હિંસા મુદ્દે સંસદમાં હંગામા વચ્ચે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર સંસદમાં ચર્ચા માટે મંજૂરી આપવામાં આવી હતી.