પુણેઃ ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો પર આધારિત બીબીસી ન્યૂઝની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવાના મામલે દેશની ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી અને જામિયા યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયા બાદ દિલ્હી યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઝઘડો થયો હતો. કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખરાબ અને વિવાદાસ્પદ રીતે ચિતરતી આ ફિલ્મને બતાવવા પર દેશભરમાં પ્રતિબંધ મૂક્યો છે.
હવે એ બધો કદડો મહારાષ્ટ્રમાં ઘૂસ્યો છે. મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ સંસ્થામાં વિદ્યાર્થીઓના એક જૂથે આ દસ્તાવેજી ફિલ્મ દર્શાવતાં અખિલ ભારતીય યુવા મોરચાએ આંદોલન કર્યું હતું. હવે આ ફિલ્મ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (FTII) માં પણ બતાવાતાં વિવાદ વકરશે. પુણેની FTII સંસ્થાના પરિસરમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરાયું હતું.
બીબીસીએ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની આ દસ્તાવેજી ફિલ્મ બે ભાગમાં બનાવી છે. મોદીનો રાજકારણમાં પ્રવેશ અને ભાજપમાં એમના વધી ગયેલા કદ, સ્થાન અને વજન, ગોધરામાં ટ્રેનના ડબ્બાને આગ લગાડાતાં 50 કારસેવકોનાં મરણ નિપજ્યા બાદ રાજ્યભરમાં થયેલા કોમી રમખાણો, તે વિશે રાજકીય નેતાઓ, પત્રકારો, રમખાણોમાં જીવ ગુમાવનારાઓનાં સગાંસંબંધીઓ અને જેલવાસ ભોગવનાર પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની પુત્રીની પ્રતિક્રિયાનો આ દસ્તાવેજી ફિલ્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રમખાણોમાં તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની શંકાસ્પદ ભૂમિકા હતી એવો દાવો બીબીસી ફિલ્મમાં કરાયો છે.