નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને નિયંત્રણ કરવા માટે દેશઆખો એકજૂટ છે, ત્યારે કોંગ્રેસની સાથે-સાથે બધા વિપક્ષના પક્ષોને કોરોનાની જંગમાં મોદી સરકારને સાથ આપવાની વાત કહી છે. આ કડીમાં દેશમાં વર્તમાન પરિસ્થિતિ પર મંથન કરવા માટે કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલ કરી છે. તેમણે વિવિધ મુદ્દાઓ પર પક્ષના વિચારો જાણવા માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની અધ્યક્ષતામાં 11 પાર્ટીના સભ્યોની સલાહકાર સમિતિની રચના કરી છે. રાહુલ ગાંધી અને પી. ચિદંબરમને સભ્યોમાં સામેલ કર્યા છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે આપેલા નિવેદનમાં સોનિયા ગાંધી દ્વારા બનાવવામાં આવેલી સલાહકાર સમિતિની માહિતી આપી હતી. આ સલાહકાર સમિતિના ચેરમેન ડો. મનમોહન સિંહ અને સંયોજક રણદીપ સિંહ સૂરજેવાલા હશે. આ સિવાય રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, મનીષ તિવારી, જયરામ રમેશ, પ્રવીણ ચક્રવર્તી, ગૌરવ વલ્લભ, સુપ્રિયા શ્રીનેત અને રોહન ગુપ્તા પણ સલાહકાર સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સલાહકાર સમિતિના સભ્યો દરરોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે અને વર્તમાન સ્થિતિ પર વિચાર કરશે અને વિવિધ મુદ્દા પર પક્ષના વિચારો સાંભળશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસની સામેના જંગમાં કોંગ્રેસે પણ મોદી સરકારનું સમર્થન કર્યું છે. સોનિયા ગાંધીએ પોતોના વિડિયો સંદેશમાં આ સંકટ સમયે લોકોને પક્ષ અને સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે મજબૂત ઇરાદાઓની સાથે દેશ બહુ જલદી આ સંકટ પર વિજય પ્રાપ્ત કરશે.