સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોની હાલત ખરાબ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા સુરંગનો એક ભાગ ધસી જવાથી એમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની જહેમત હજી જારી છે. આ દરમ્યાન સુરંગમાં ફસાયેલા મજૂરોનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ ફોટોમાં મજૂર સેફ્ટી હેલ્મેટ લગાવેલા નજરે ચઢી રહ્યા છે.

આ મજૂરો સાથે ઉત્તર પ્રદેશ સરકારના પ્રતિનિધિ અરુણકુમારની સાથે વાતચીત થઈ હતી. આ મજૂરોએ તેમને કહ્યું હતું કે અમને અહીંથી જલદી બહાર કાઢો, અમારી હાલત સ્થિતિ બહુ ખરાબ છે.  જેથી તેમણે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે ચિંતા ના કરો, ભરોસો રાખો, રેસ્ક્યુ ઓપરેશન જલદી સફળ થશે અને આપણે બધા એકસાથે ઘરે જઈશું.

​​​​​ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 10 દિવસથી ફસાયેલા 41 મજૂરોના પ્રથમ વિડિયો સામે આવ્યા છે. રવિવારે નવી છ ઇંચ પહોળી પાઇપલાઇન દ્વારા એંડોસ્કોપિક કેમેરાને અંદર મોકલવામાં આવ્યો હતો. જેના દ્વારા મજૂરો સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. આ સાથે મજૂરોની ગણતરી પણ કરવામાં આવી હતી. હાલ તમામ મજૂરો સુરક્ષિત છે.

મજૂરોને ભોજન પહોંચાડવાના કેટલાક વિડિયો પણ સામે આવ્યા છે. એક વિડિયોમાં રેસ્ક્યુ ટીમ ગરમ ખીચડી બનાવીને બોટલોમાં ભરતા જોવા મળે છે. અન્ય એક વિડિયોમાં આ બોટલોને પાઇપ દ્વારા મોકલવામાં આવતી જોઈ શકાય છે. મંગળવાર બપોર સુધીમાં ટનલમાં ત્રણ જગ્યાએથી ડ્રિલિંગ શરૂ થવાની ધારણા છે.સોમવારે બચાવ કામગીરીમાં બે મહત્ત્વની સફળતાઓ મળી હતી. પ્રથમ, નવી છ ઇંચ પહોળી પાઇપલાઇન નાખવામાં આવી હતી. બીજું, ઓગર મશીન સાથે કામ કરતા મજૂરોને કોઈ પણ અનિચ્છનીય ઘટનાથી બચાવવા માટે એક બચાવ ટનલ બનાવવામાં આવી છે.