નવી દિલ્હીઃ ટેલિકોમપ્રધાન અશ્વિની વૈષ્ણવે BSNLના 62,000 કર્મચારીઓને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે કામ કરો અથવા ઘરે જાઓ. બીમાર BSNL માટે સરકારે રૂ. 1.60 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે એવા કર્મચારીઓ જે અપેક્ષા મુજબ દેખાવ નથી કરી રહ્યા, તેમણે નિવૃત્ત થવા અને ઘરે જવા તૈયાર રહેવું પડશે. વૈષ્ણવનો એક ઓડિયો લીક થયો છે, જેમાં તેઓ સરકારી કર્મચારીઓને આગામી બે વર્ષ ખૂબ મહેનત કરવા માટે નિર્દેશ આપી રહ્યા છે.
તેમણે કર્મચારીઓને કહ્યું હતું કે તેઓ કામ કરે અથવા VRS લઈ લે. નહીં તો કામ નહીં કરનારા કર્મચારીઓને જબરદસ્તીન VRS આપવામાં આવશે. જેવી રીકે રેલવેમાં કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા પેકેજમાં –સર્વિસમાં સુધારો, એકાઉન્ટને મજબૂત કરવાનું અને ફાઇબર નેટવર્કનો વિસ્તાર છે. સરકાર BSNLને 4G ની સર્વિસ આપવા માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરશે. અમે BSNLને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. ટેલિકોમ એક વ્યૂહાત્મક ક્ષેત્ર છે, એમ તેમણે કહ્યું હતું.
BSNLને 2019માં આપવામાં આવેલા પુનરુદ્ધાર પેકેજથી કંપનીમાં સ્થિરતા આવી હતી. હવે રૂ. 1.64 લાખ કરોડના પેકેજની સાથે BSNL એક વેપારી કામકાજ કરતી કંપની બનશે. BSNL ના રૂ. 33,000 કરોડનાં લેણાંને ઇક્વિટીમાં ફેરવવામાં આવશે. કંપની આ રકમની ચુકવણી માટે બોન્ડ જારી કરશે, એમ તેમણે કહ્યું હતું.
MTNLનું કોઈ ભવિષ્ય નથી. સરકાર MTNL માટે બહુ કંઈ કરી નહીં શકે, એમ તેમણે કહ્યું હતું.