કેન્દ્રીય કર્મચારીઓ માટે ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવી ફરજિયાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોતાના બધા કર્મચારીઓ માટે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કર્યું છે. પર્સોનેલ મંત્રાલય દ્વારા આ વિશે આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ બધા અધિકારીઓ અને કર્મચારીઓ માટે તરત એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. આમાં એ કર્મચારીઓ પણ સામેલ છે, જે કોન્ટ્રેક્ટ પર કામ કરી રહ્યા છે.  

કર્મચારીઓની સુરક્ષા માટે એપ

કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના ઘરેથી ઓફિસ માટે ત્યારે જ નીકળે જ્યારે આરોગ્ય સેતુ એપમાં સ્ટેટસ ‘સુરક્ષિત’ અથવા ‘ઓછું જોખમ’ દેખાઈ રહ્યું હોય. જો એપમાં ‘મધ્યમ’  અથવા ‘વધુ જોખમ’વાળું સ્ટેટસ દેખાઈ રહ્યું હોય તો કર્મચારીઓને ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ- જ્યાં સુધી સ્ટેટસ ફરીથી ‘સુરક્ષિત’ અથવા ‘ઓછું જોખમ’ની શ્રેણીમાં ના આવે. કેન્દ્ર સરકારે બધાં મંત્રાલયો અને વિભાગોને તેમના આધીન આવતા સરકારી કંપનીઓના કર્મચારીઓ માટે એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત છે.

એપ મૂળ રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગ

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયની અંદર કામ કરતી એજન્સી નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (NIC)એ એપ તૈયાર કરી છે. એપ મૂળ રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા કામ કરે છે. યુઝરના બ્લુ ટ્રુથથી માલૂમ પડે છે કે તે કોઈ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યો છે કે નહીં… અને આવ્યો પણ છે તો કેટલા દૂરથી આવ્યો છે. જો આવું થાય તો એપમાં સ્ટેટસ ગ્રીન (સુરક્ષિત)થી નારંગી અથવા લાલ થઈ જશે. સ્ટેટસ બદલાતાં યુઝરને એક નોટિફિકેશન પણ મોકલવામાં આવશે.અત્યાર સુધી 7.5 કરોડ યુઝર્સ

કોરોનાની સામેના જંગમાં આરોગ્ય સેતુ મોબાઇલ એપને એક ધારદાર હથિયાર તરીકે ઉતારવામાં આવી છે. બીજી એપ્રિલે લોન્ચ થયા પછી માત્ર 13 દિવસોની અંદર આ એપને પાંચ કરોડ યુઝર્સએ જ્યારે 15 દિવસોમાં છ કરોડ યુઝર્સએ ડાઉનલોડ કરી લીધી છે, જે વિશ્વભરમાં એક રેકોર્ડ છે. નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ પ્રસંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે પાંચ કરોડ યુઝર્સ સુધી પહોંચવામાં ટેલિફોનને 75 વર્ષ, રેડિયોને 38 વર્ષ, ટેલિવિઝનને 13 વર્ષ, ઇન્ટનેટને ચાર વર્ષ અને ફેસબુકને 19 મહિના લાગ્યા હતા. અત્યાર સુધી આ આંકડો 7.5 કરોડ યુઝર્સ સુધી પહોંચી ગયો છે.