નવી દિલ્હીઃ મોદી સરકાર દેશના બધા નાગરિકોને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટેનું બજેટ તૈયાર કરી રહી છે. કોરોના વેક્સિનના નિર્માણ પર પ્રતિ વ્યક્તિ 6-7 ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. એના માટે સરકારે કુલ રૂ. 500 અબજ એટલે કે રૂ. 50,000 કરોડનું બજેટ નક્કી કર્યું છે. સરકાર આ બજેટની ફાળવણી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કરી દેશે, એમ એક અહેવાલ કહે છે.
દેશની પહેલી વેક્સિનને ત્રીજા તબક્કામાં માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. ભારત બાયોટેક ઇન્ડિયા લિ. (BBIL)એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને ‘કોવેક્સિન’ વેક્સિન વિકસિત કરી છે. આશરે ત્રણ મહિના પહેલાં જુલાઈમાં ભારત બાયોટેકને પહેલા અને બીજા તબક્કામાં માનવ પરીક્ષણ કરવા માટે મંજૂરી મળી હતી.
ત્રીજા તબક્કાનું માનવ પરીક્ષણ આવતા મહિને શરૂ થવાની આશા છે. મંગળવારે ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કમિટીએ વેક્સિન પર વિચારવિમર્શ કર્યો હતો અને માનવ પરીક્ષણની પ્રક્રિયામાં મામૂલી બદલાવની સલાહ આપતાં મંજૂરી આપી હતી.
અંતિમ તબક્કામાં માનવ પરીક્ષણમાં 28,500 લોકો સામેલ હશે
દેશમાં થનારા અંતિમ તબક્કાના માનવ પરીક્ષણમાં 28,500 લોકો સામેલ થશે. અહેવાલ મુજબ વોલેન્ટિયરને 28 દિવસોના અંતરાલમાં પ્રયોગાત્મક ધોરણે વેક્સિનનો બે ડોઝ આપવામાં આવશે. કોવેક્સિનનું પરીક્ષણ દિલ્હી, મુંબઈ, પટના અને લખનઉ સહિત 19 જગ્યાઓ પર થશે.
કોરોના વાઇરસ સામેની લડાઈ માટે ‘કોવેક્સિન’ ભારતની પહેલી સ્વદેશી વેક્સિન છે. હૈદરાબાદની કંપનીએ વિક્સિત કરેલી ‘કોવેક્સિન’ નિષ્ક્રિય વેક્સિનની શ્રેણીમાં આવે છે. એનો અર્થ એ છે કે વેક્સિને વાઇરસને નિષ્ક્રિય કરી દીધો છે અને કોઈ પણ શખસને સંક્રમિત કરવાની ક્ષમતા નહીં હોય.
