કેન્દ્રનો આંતરરાજ્ય હેરફેર પર પ્રતિબંધ ના લગાવવાનો રાજ્યોને નિર્દેશ  

નવી દિલ્હીઃ કેન્દ્રએ બધાં રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોરોના વાઇરસને પગલે લોકડાઉનમાં છૂટછાટની પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ રાજ્યની અંદર કે આંતરરાજ્યો હેરફેર માટે વ્યક્તિઓ અને માલસામાનના આવાગમન પર કોઈ પણ જાતનો પ્રતિબંધ ના હોવો જોઈએ. બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ  અજય ભલ્લાએ કહ્યું હતું કે એવા અહેવાલો મળ્યા છે કે વિવિધ જિલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક સ્તરે આવ-જા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે.

અનલોક-3ના દિશા-નિર્દેશોની યાદ અપાવતાં તેમણે કહ્યું હતું કે આવા પ્રતિબંધોથી માલ અને સેવાઓના આતરરાજ્ય આવાગમનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. જેથી સપ્લાય ચેઇન પર અસર પડે છે. આને કારણે આર્થિક કામકાજ અથવા રોજગારમાં અવરોધ પેદા થાય છે.

આંતરરાજ્ય અને રાજ્યોની અંદર આવ-જા પર કોઈ પ્રતિબંધ નહીં

તેમણે પત્રમાં કહ્યું હતું કે અનલોકના દિશા-નિર્દેશોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિઓ અથવા માલસામાનની આંતરરાજ્ય અને રાજ્યોની અંદર આવ-જા પર કોઈ પ્રતિબંધ ના હોવો જોઈએ. આ માર્ગદર્શિકામાં એ પણ કહેવામાં આવ્યું છે કે પડોશી રાજ્યોની સાથે સમજૂતી હેઠળ સીમા પાર વેપાર માટે વ્યક્તિઓ અથવા માલસામાન કે આવનજાવન માટે અલગથી મંજૂરી અથવા ઈ-પરમિટની જરૂર નથી.  

ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન સમાન

ગૃહ સચિવે કહ્યું હતું કે આવા પ્રતિબંધ ડિઝેસ્ટર મેનેજમેન્ટ કાયદા,2005ની જોગવાઈઓ હેઠળ ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન સમાન છે. આ પત્રમાં આગ્રહ કર્યો હતો કે પ્રતિબંધ ના લગાવવામાં આવવો જોઈએ અને અનલોક સંબંધ દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવવું જોઈએ.