સેનાને હથિયારો ખરીદવા નાણાકીય સત્તા આપવામાં આવી

નવી દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં ચીન સાથે છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી અથડામણને લીધે સંરક્ષણ મંત્રાલયે જરૂરી હથિયારો અને ગોલા-બારુદની ઇમર્જન્સી ખરીદવા માટે સેનાને નાણાકીય અધિકારની મંજૂરી આપી છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન્સ કાઉન્સિલ (DAC)ની બેઠકમાં ત્રણે સેનાના વડા અને ડિફેન્સ સચિવ હાજર રહ્યા હતા, જેમાં હથિયારો ખરીદવાની નવી પ્રક્રિયાને સ્વીકૃતિ આપવામાં આવી છે. આ બેઠકમાં સ્થાનિક સ્રોતો પાસેથી મૂડી હસ્તગત કરીને સ્વદેશી હથિયાર ખરીદવા માટે સેનાને નાણાકીય સત્તા આપવામાં આવી છે.    

નવી પ્રક્રિયા હેઠળ ખરીદ પ્રક્રિયાને છ મહિનાની અંદર પૂરી કરી લેવામાં આવશે. સેનાને હથિયાર ખરીદવા માટે દરેક કોન્ટ્રેક્ટ માટે રૂ. 300 કરોડની મહત્તમ મર્યાદા રહેશે. નવી પ્રક્રિયામાં વિલંબની શક્યતા નહીં રહે, જેથી સશસ્ત્ર દળોને કામગીરીમાં અડચણો ઓછી થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે DACની બેઠકના નિષ્કર્ષો વિશે સંરક્ષણ મંત્રાલયે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.સરકારે સપ્ટેમ્બર, 2016માં ઉરી આતંકવાદી હુમલા પછી સૌપ્રથમ વાર સેનાની ત્રણે પાંખને આ સત્તા આપી હતી. જે સત્તા હેઠળ સેના એની જરૂરિયાત મુજબ ગોલા-બારુદના સ્ટોક, મશીનના પાર્ટ્સના નિર્માણ માટે ઇમર્જન્સી અને મહત્ત્વપૂર્ણ ભાગોની ખરીદી કરી શકશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2016માં સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સાથેના સંબંધોમાં જબરદસ્ત તણાવ આવ્યો હતો. જે પછી સરકારે સેનાને રશિયા, ઇઝરાયેલ અને ફ્રાન્સ પાસેથી મોટા પ્રમાણમાં  હથિયારો, પુરજાઓ અને દારૂગોળો ખરીદવા માટે સત્તા આપી હતી. સેનાની આપેલી આ સત્તા મે, 2020માં પણ ચીન સાથેના સીમાવિવાદ વખતે કારગત સાબિત થઈ હતી.