‘વ્હાલા કૃષ્ણને…’: જન્માષ્ટમી નિમિત્તે ‘ચિત્રલેખા’ના સથવારે કૃષ્ણગીતોનો સંગીતમય કાર્યક્રમ

મુંબઈઃ હમણાં દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક થઇ. લગભગ બે વર્ષ પછી જન્માષ્ટમીનો તહેવાર મુક્તપણે ઉજવવાનો આ અવસર હતો ત્યારે મુંબઇમાં યોજાએલા એક કાર્યક્રમમાં ‘ચિત્રલેખા’ પણ સહભાગી થયું હતું.

જન્માષ્ટમીની રાત્રે મુંબઇમાં ‘વ્હાલા કૃષ્ણને…’ નામે જાણીતા કૃષ્ણગીતોનો એક સંગીતમય કાર્યક્રમ જાણીતા ઓર્ગેનાઇઝર ઇન્ડિયન થિયેટર કંપનીના લાલુભાઈ દ્વારા યોજાયો હતો. ચિત્રલેખાના સથવારે યોજાએલા આ કાર્યક્રમની પ્રસ્તુતિ વિશાલ ગોરડિયાની હતી.

કાર્યક્રમના આયોજક તેમજ આકર્ષક મંચસજ્જા માટે નિપુણ એવા લાલુભાઈએ ‘યુવાનો પણ ભાવપૂર્વક શ્રીકૃષ્ણના ભક્તિગીતો ગાઇ શકે છે’ એવા હેતુથી જ્હાન્વી શ્રીમાંકર તથા અક્ષત પરીખ જેવા યુવા ગાયકોને લઇને આ કાર્યક્રમ ઉજવ્યો હતો. આ બંને ગાયકે શ્રી કૃષ્ણના પરંપરાગત ભજનોની આહલાદક પ્રસ્તુતિ કરીને આ સાંજને યાદગાર બનાવી હતી.

કાર્યક્રમમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી’, ‘રાધા પૂછ રહી, કિસીને મેરા શ્યામ દેખા’, ‘રંગલો’, ‘ગોકુળ આવો ગિરિધારી’ જેવા લોકપ્રિય કૃષ્ણગીતોની જોરદાર રમઝટ જામી હતી. શબ્દોના સથવારે કાર્યક્રમનું સંચાલન લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા-વૈદ્યએ કર્યું હતું.

ગીત-સંગીતની સાથે મંચસજ્જા પણ એટલી જ ધ્યાનાકર્ષક હતી. ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ પ્રહર અનુસાર વિવિધ આરતી કરવામાં આવે છે. આ અલગ અલગ આરતીના દર્શન કરાવતાં ચિત્રો સ્ટેજ-ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાયા હતા. સુંદર ગીતોની રજૂઆત સાથે ભગવાનના આટલા સુંદર ચિત્રો જાણે સોનામાં સુગંધ ભેળવી રહ્યા હતા.

અલબત્ત, સોનામાં વધારે સુગંધ ત્યારે ભળી, જ્યારે ગુજરાતી સંગીત-વિશ્વનું ખૂબ લોકપ્રિય નામ એવા લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠકની સરપ્રાઈઝ એન્ટ્રી થઇ! ફાલ્ગુની પાઠકની એન્ટ્રીથી જ પ્રેક્ષકોમાં ઉત્સાહનું મોજું ફરી ઉઠ્યું હતું. મુખ્ય બંને ગાયકની સાથોસાથ આ ગરબા-કવીને પણ પોતાનું સૂરમય યોગદાન આપ્યું હતું.

વળી, કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી હિંડોળા દર્શન વગર શક્ય જ નથી ને!? ‘વ્હાલા કૃષ્ણને…’ કાર્યક્રમના અંતે કૃષ્ણ-જન્મનો એક અત્યંત ભાવભર્યો પ્રસંગ રાખવામાં આવ્યો હતો.

છેલ્લા વીસ વર્ષથી દર જન્માષ્ટમીએ આવા પ્રોગ્રામનું આયોજન કરતાં આયોજક લાલુભાઈએ જણાવ્યું હતું કે, “ગત બે વર્ષના વિરામ બાદ આ કાર્યક્રમ કરવાનો એક અનેરો ઉત્સાહ હતો. મને એવું લાગ્યું કે આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ કાર્યક્રમ બની રહ્યો.”

નિઃશંકપણે, જન્માષ્ટમીની આવી સુંદર સંગીતમય ઉજવણી કઈક વિશેષ જ હતી…