પટનાઃ બિહારમાં ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવે સરકારી બંગલો ખાલી તો કર્યો, પણ અહીંનો માલસામાન તેઓ સાથે લઈ ગયા છે. તેઓ સરકારી નિવાસસ્થાનથી બેડ, AC અને બેસિન સુધ્ધાં લઈ ગયા છે, એમ ભાજપના મિડિયા પ્રભારી દાનિશ ઇકબાલે તેજસ્વી યાદવ પર આરોપ લગાવતાં કહ્યું હતું.
આ બંગલો હવે ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીને ફાળવાયો છે. તેમના ખાનગી સચિવે મોટો આરોપ લગાવતાં કહ્યું હતું કે સરકારી નિવાસસ્થાનમાંથી કેટલોય મહત્ત્વનો સામાન ગાયબ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે બંગલામાં સોફા, કૂંડા, અને AC ખોલીને લઈ જવામાં આવ્યાં છે. તેજસ્વી યાદવે બંગલો ખાલી કર્યા પછી ભાજપે ગંભીર આરોપ લગાવ્યા છે.
ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી આ બંગલામાં વિજયાદશમીના દિવસે આ બંગલામાં પ્રવેશ કરશે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે તેજસ્વી યાદવે સરકારી નિવાસસ્થાનમાંથી જિમનો માલસામાન પણ ગાયબ કરી દીધો છે. બેડમિન્ટન કોર્ટની ફ્લોર સુધ્ધાં તેઓ કાઢીને લઈ ગયા છે. આટલું જ નહીં, વોશરૂમના મળની ટોટી પણ ગાયબ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રાજ્યના ભવન નિર્માણ તરફથી આપવામાં આવેલા માલસામાનની લિસ્ટ જારી કરવામાં આવશે. બે દિવસ પહેલાં તેજસ્વી યાદવે આ નિવાસ્થન ખાલી કર્યું છે.બીજી બાજુ લેન્ડ ફોર જોબ સ્કેમ મામલામાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે આ કેસમાં લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવને જામીન આપી દીધા છે.