ચેન્નાઈ: દેશભરમાં લાગુ કરાયેલા કોરોના-લોકડાઉનને પગલે મજૂરો, ટ્રક ડ્રાઈવરો સહિતના લોકોને ગુણવત્તાયુક્ત ભોજન મળવું મુશ્કેલ બની ગયું છે ત્યારે તામિલનાડુમાં એવી કેન્ટીન સક્રિય છે જે મફતમાં ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડે છે. આ વિકટ પરિસ્થિતિમાં લોકોની વહારે આવેલી સંસ્થાનું નામ છે – અમ્મા કેન્ટીન.
અમ્મા કેન્ટીનમાં મધ્યમ વર્ગથી લઈને મજૂર-કામદારો, ટ્રક ડ્રાઈવરો સહિત તમામ વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહ્યું છે. મહત્વનું છે કે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતા દ્વારા શરુ કરવામાં આવેલી આ અમ્મા કેન્ટીનનો લાભ અત્યાર સુધી માત્ર ગરીબ અને પ્રવાસી મજૂરો જ લેતા હતા, પણ લોકડાઉનની આ કપરી સ્થિતિમાં નોકરીઓ ગુમાવનારા અને નાણાકીય સ્થિતિ ખરાબ હોય તેવા તમામ લોકોનું પેટ ભરવામાં આ કેન્ટીન મદદરૂપ સાબિત થઈ રહી છે.
તામિલનાડુમાં સત્તાધારી પક્ષ એઆઈડીએમકે હવે દરેક શહેર અને ગામડાઓમાં રહેલી કેન્ટીનોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની સાથે જ અમ્મા કેન્ટીનનું ભોજન લોકો માટે ફ્રીમાં આપી રહી છે. રાજ્યભરમાં 650 જેટલી અમ્મા કેન્ટીન કાર્યરત છે જેમાંથી માત્ર એકલા ચેન્નાઈ શહેરમાં જ 407 અમ્મા કેન્ટીન છે. અમ્મા કેન્ટીનમાં સવારે નાસ્તામાં ઈડલી, બપોરે અલગ અલગ પ્રકારના ભાત તો રાતના ભોજનમાં રોટલી, દાળ વગેરે પિરસવામાં આવે છે.
આઈટી ક્ષેત્રમાંથી થોડા મહિના પહેલા જ નોકરી ગુમાવ્યા બાદ બેરોજગાર બેઠેલા એક યુવકે કહ્યું કે, મને પહેલા એવું લાગતું હતું કે, અમ્મા કેન્ટીનમાં ભોજન હલ્કી ગુણવત્તાનું મળતું હશે, પણ હકીકતમાં આ કેન્ટીન અન્ય મોંઘીદાટ રેસ્ટોરન્ટ કરતા પણ સારી છે. નાણાકીય સંકટના આ સમયમાં અમ્મા કેન્ટીન અમારા જેવા લોકો માટે એક વરદાન છે.