પાંચ દાયકા પછી પ્રેમનું આ પ્રતીક બંધ…

આગ્રાઃ કોરોના વાયરસના ડરથી તાજમહેલ બંધ થઈ ગયો છે. તાજ મહેલને જોવા માટે આવેલા તમામ ટુરિસ્ટને આજે નિરાશ થઈને પાછું ફરવું પડ્યું. કેટલાક વિદેશી પર્યટકો તો તાજમહેલની બહાર રડતા દેખાયા. તાજ મહેલ, લાલ કિલ્લો, ફતેહપુર સીકરી જેવા પર્યટન સ્થળો જો વધારે દિવસ સુધી બંધ રહ્યા તો આગ્રાની અર્થવ્યવસ્થા બગડી જશે કારણ કે, તાજમહેલના કારણે અડધા ભાગના આગ્રાને રોજી મળે છે. અહીંયા દર વર્ષે આશરે 90 લાખ જેટલા પર્યટકો આવે છે અને ટુરિઝમ અને ચર્મ ઉદ્યોગથી વાર્ષિક 6000 કરોડ જેટલી આવક થાય છે. તાજમહેલ બંધ થઈ થઈ ગયો કે જેના આંગણે હંમેશા વિશ્વભરમાંથી આવેલા તેના ચાહકોનો જમાવડો હોય છે. આજે તાજમહેલ સૂનો પડી ગયો છે. અન્ય દેશોમાંથી આવેલા કેટલાક લોકો દૂરથી તેની ઝલક મેળવવાનો પ્રયત્ન કરે છે. અન્ય પર્યટકો ગાર્ડન પાસેના મેદાનથી ખૂબ દૂરથી તાજમહેલનો દીદાર કરી રહ્યા છે અને કેટલાક પર્યટકોતો તાજનો દીદાર ન થવાના કારણે રડી પણ પડ્યા હતા.

તાજમહેલમાં દર વર્ષે શાહજહાં અને મુમતાઝ મહેલની કબરો પર ઉર્સ થાય છે કારણ કે આ તેમનો મકબરો છે. એ દિવસે લોકોને નકી કબરોની જિયારતની મંજૂરી હોય છે પરંતુ આ વર્ષે ઉર્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. તાજમહેલ પહોંચેલા ઘણા પ્રવાસીઓએ એવા પણ હતા કે જેમને લાગ્યું કે તાજમહેલ બંધ હોય તે શક્ય નથી.

આગ્રાનો કિલ્લો જોવા માટે પણ મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતા પરંતુ તે પણ બંધ હોવાના કારણે લોકો બહારથી જ સેલ્ફી લેતા રહ્યા. આ પહેલા અડધી સદી પહેલા તાજમહેલ બંધ થયો હતો. 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે સુરક્ષાના કારણોસર તાજમહેલને બંધ કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]