સુષમા સ્વરાજનું વિમાન જ્યારે 14 મિનિટ સુધી લાપતા થઈ ગયું હતું

નવી દિલ્હી – વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને મોરેશિયસ લઈ જતું વીવીઆઈપી વિમાન ‘મેઘદૂત’ ગયા શનિવારે બપોરે મોરિશિયસની હવાઈ સીમામાં પ્રવેશ્યા બાદ 14 મિનિટ સુધી એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી બેઠું હતું.

ભારતીય હવાઈ દળનું વિમાન ‘મેઘદૂત’ શનિવારે બપોરે 2.08 વાગ્યે તિરુવનંતપુરમમાંથી રવાના થયું હતું. પરંતુ, મોરિશિયસની હવાઈ સીમામાં પ્રવેશ કર્યા બાદ બપોરે 4.44થી 4.58 વાગ્યા સુધી ત્યાંના પાટનગર માલે શહેરના એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો એનો સંપર્ક તૂટી ગયો હતો.

પરંતુ ત્યાં સુધીમાં ચેતવણી આપી દેવાઈ હતી. આ જાણકારી એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં આપી છે.

વિમાન તથા એમાંના પ્રવાસીઓની સુરક્ષા સંબંધિત કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થાય તો એ માટેનો કોર્ડ વર્ડ INCERFA મોરિશિયસ એર ટ્રાફિક કન્ટ્રોલે એક્ટિવેટ કર્યા બાદ વિમાનનો પત્તો લાગ્યો હતો.

સામાન્ય કિસ્સામાં એટીસી વિમાન સંપર્ક ખોઈ બેસે તેની 30 મિનિટ બાદ lNCERFA એક્ટિવેટ કરે છે, પણ આ કેસમાં મહાનુભાવ વિમાનમાં હતા એટલે એટીસીએ તાબડતોબ lNCERFA એક્ટિવેટ કરી દીધો હતો.

સુષમા સ્વરાજ સાથેના વિમાને ત્યારબાદ માલે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું અને સ્વરાજ મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથને મળ્યા હતા.

સ્વરાજ રવિવારથી દક્ષિણ આફ્રિકાના પાંચ દિવસના પ્રવાસે ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]