રશિયામાં આવતી 14 જૂનથી 15 જુલાઈ સુધી રમાનાર ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા 21મી આવૃત્તિ હશે.
આ વખતની સ્પર્ધા કુલ આઠ ગ્રુપમાં વહેંચી દેવાયેલી 32 ટીમો વચ્ચે રમાશે. આમાંની 20 ટીમ (2014ની ચેમ્પિયન જર્મની સહિત) બેક-ટુ-બેક રમી રહી છે, એટલે કે 2014ની સ્પર્ધામાં પણ આ ટીમોએ ભાગ લીધો હતો. આઈસલેન્ડ અને પનામા સ્પર્ધામાં પહેલી જ વાર રમશે.
સ્પર્ધામાં કુલ 64 મેચો રમાશે. આ મેચો રશિયાના મોસ્કો અને સોચી સહિત 11 શહેરોમાં 12 સ્થળે રમાશે.
ફાઈનલ મેચ 15 જુલાઈએ મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં રમાશે. તેની ક્ષમતા 81 હજાર દર્શકોને સમાવવાની છે.
મેચોના તમામ સ્થળ યુરોપ બાજુના રશિયામાં છે.
ફૂટબોલ વર્લ્ડ કપઃ રસપ્રદ વિગત…
રશિયા આ પહેલી જ વાર ફિફા વર્લ્ડ કપ સ્પર્ધાનું યજમાનપદ ભોગવી રહ્યું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રશિયા (સોવિયેત સંઘ સહિત) આ 11મી વાર ભાગ લેશે. સ્પર્ધામાં એનો (સોવિયેત સંઘનો) શ્રેષ્ઠ દેખાવ 1966માં રહ્યો હતો જ્યારે એ ચોથા ક્રમે આવ્યું હતું. આ વખતની સ્પર્ધાની મેચો સોચી શહેર તથા અન્ય સ્થળોએ પણ યોજાશે. સોચી શહેરે અગાઉ 2014માં શિયાળુ રમતોત્સવની ઉદઘાટન અને સમાપન વિધિઓ યોજી હતી. ફૂટબોલ વર્લ્ડ કપમાં સૌથી વધારે મેચો ડ્રો કરનાર ટીમ છે ઈટાલી. એણે કુલ 21 મેચો ડ્રો કરી છે. વર્લ્ડ કપમાં સૌથી વધારે સ્કોરવાળી મેચ 1954માં રમાઈ હતી. એ મેચમાં ઓસ્ટ્રિયાએ સ્વિટ્ઝરલેન્ડને 7-5 ગોલના માર્જિનથી પરાજય આપ્યો હતો. પહેલી વર્લ્ડ કપ સ્પર્ધા 1930માં ઉરુગ્વેમાં રમાઈ હતી. એ જ ટીમ ત્યારે વિજેતા પણ બની હતી. વર્લ્ડ કપમાં સૌથી વધારે પરાજય મેળવવાનો રેકોર્ડ મેક્સિકોનો છે. એ કુલ 25 મેચો હાર્યું છે. જર્મનીનો લોથાર મેથ્યૂસ સૌથી વધારે મેચો રમવાનો રેકોર્ડ ધરાવે છે. એ કુલ 25 મેચો રમ્યો હતો. જર્મનીનો ક્લોઝ તમામ વર્લ્ડ કપમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ ધરાવે છે. એણે કુલ 16 ગોલ કર્યા છે. રશિયાનો સાલેન્કો એક જ મેચમાં સૌથી વધારે ગોલ કરવાનો વિક્રમ ધરાવે છે. 1994માં એણે એક મેચમાં પાંચ ગોલ કર્યા હતા. ફાઉલ બદલ રેફરીએ સૌથી વધારે કાર્ડ બતાવ્યા હોય એવો કયો ખેલાડી? એ છે ફ્રાન્સનો ઝીનેડીન ઝીડાન. એને 4 યેલો અને બે રેડ કાર્ડ બતાવવામાં આવ્યા હતા. ગઈ વેળાની 2014ની બ્રાઝિલ વર્લ્ડ કપ સ્પર્ધા પર એક નજર 2014ની વર્લ્ડ કપને દુનિયાની કુલ વસ્તીના અડધા ભાગના લોકોએ, એટલે કે આશરે 3.2 અબજ લોકોએ નિહાળી હતી. 2014ની સ્પર્ધાની દરેક મેચ દીઠ સ્ટેડિયમમાં દર્શકોની સરેરાશ હાજરીનો આંકડો હતો – 53,592 2014ની સ્પર્ધામાં કુલ 3,240 ફૂટબોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં, મેચ તથા પ્રેક્ટિસ વખતે વપરાયેલા બોલનો સમાવેશ થાય છે. 2014ની સ્પર્ધામાં કુલ 171 ગોલ સ્કોર થયા હતા. 1998ની સ્પર્ધામાં પણ આટલી સંખ્યામાં ગોલ થયા હતા. |