સુપ્રીમ કોર્ટની લખીમપુર ખીરી કેસમાં UP સરકારને ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણીમાં કહ્યું હતું કે કોર્ટ આ મામલે તપાસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંથી સંતુષ્ટ નથી. UP સરકારે કોર્ટને સ્ટેટસ રિપોર્ટ આપવાનો હતો. કોર્ટે આ ઘટના સંબંધિત વિગતો માગતાં તપાસમાં શું થશું? એની માહિતી માગી હતી.

કોર્ટે UP સરકારને સવાલ કર્યો હતો કે અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. CJIએ UP સરકાર પર સવાલ ઉઠાવ્યો હતો કે હત્યા મામલે આરોપીથી અલગ વ્યવહાર કેમ થઈ રહ્યો છે? આ ખંડપીઠની સલાહ છે. આ સુનાવણી દરમ્યાન હરીશ સાલ્વેએ કહ્યું હતું કે તમે નોટિસ જારી કરી હતી, પણ CJIએ કહ્યું હતું કે અમે સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. CJIએ કહ્યું હતું કે મુખ્ય આરોપીની સામે બહુ ગંભીર મામલો છે. સામે પક્ષે સાલ્વેએ કહ્યું હતું કે અમે ફરીથી નોટિસ જારી કરીને કાલે 11 કલાકે રજૂ થવા માટે કહ્યું છે, પણ જો તે હાજર નહીં થાય તો કાયદો એનું કામ કરશે. તેમણે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં કોઈ બુલેટ કે ઇજા નથી, જેથી આરોપીને નોટિસ આપવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારે પગલાં લેવાં જ પડશે.

સુપ્રીમ કોર્ટે યુપીના લખીમપુર ખીરીમાં થયેલી ઘટનાને સ્વયં નોંધ લીધી છે. અહીં ખેડૂતોના દેખાવ દરમ્યાન ભડકેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

CJIએ કહ્યું હતું કે અમે જવાબદાર સરકાર અને જવાબદાર પોલીસ જોવા માગીએ છીએ. બધા મામલાઓમાં આરોપીઓની સાથે એક પ્રકારે વ્યવહાર થવો જોઈએ.