સૈનિકોએ ચીનની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી, PLAના સૈનિકોની ધરપકડ

નવી દિલ્હીઃ ચીનના સૈનિકોએ ગયા સપ્તાહે અરુણાચલ પ્રદેશમાં અતિક્રમણના પ્રયાસ કર્યા હતા. જોકે ભારતીય સૈનિકોએ તવાંગમાં ચીનના કેટલાક સૈનિકોને ઘૂસણખોરી કર્યા પછી હંગામી તરીકે હિરાસતમાં રાખ્યા હતા. ગયા સપ્તાહે ચીનના આશરે 200 સૈનિકોએ તિબેટમાંથી ભારતીય બોર્ડરને પાર કરી હતી, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું.

આ સાથે બમ લા અને યાંગ્તજી બોર્ડર પાસની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ખાલી પડેલાં બંકરોને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા. સામે પક્ષે ભારતીય સૈનિકોએ એનો આકરો વિરોધ કર્યો હતો અને ચીનના કેટલાક સૈનિકોને હંગામી ધોરણે હિરાસતમાં લીધા હતા.

આ મામલો સ્થાનિક મિલિટરી કમાન્ડર્સ સ્તર પર ઉકેલી લેવામાં આવ્યો છે. એ પછી ચીની સૈનિકોને છોડી મૂકવામાં આવ્યા હતા અને સ્થિતિ થાળે પડી હતી. બંને દેશોની વચ્ચે ઔપચારિક રીતે નિશાન નથી કરવામાં આવ્યાં, જેને કારણે LACને વિવાદ થતો રહે છે.

આ પહેલાં આ ક્ષેત્રમાં ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી ચૂક્યા છે. 2016માં 200થી વધુ સૈનિકોએ યાંગ્તજીમાં ભારતીય બોર્ડરની અંદર ઘૂસણખોરી કરી હતી. જોકે તેઓ કેટલાક કલાકો પછી પરત ફર્યા હતા. એ પહેલાં 2011માં ચીની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં આશરે 250 મીટર લાંબી દીવારને ઓળંગવાના પ્રયાસ કર્યા હતા અને એને નુકસાન પહોંચાડ્યું હતું. અરુણાચલ પ્રદેશમાં તવાંગને લઈને ભારત ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ છે.