કોર્ટની NEET પરીક્ષા મુદ્દે કેન્દ્ર, NTAને ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 વિવાદ મામલે NTA અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં નોટિસ જારી કરી છે. કોર્ટે કહ્યું હતું કે જો આ મામલે કોઈની પણ 0.001 ટકા બેદરકારી છે તો એની સામે કડક પગલાં લેવાવાં જોઈએ. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આકરી મહેનત કરે અને આપણે તેમની મહેનતને ભૂલવી ના જોઈએ. કોર્ટ તેમની મહેનતને નજરઅંદાજ ના કરી શકે. બીજી અરજીઓની સાથે આ કેસની સુનાવણી આઠ જુલાઈએ થશે.

કોર્ટે NTAને ‘સુપ્રીમ’ ફટકાર લગાવતાં કહ્યું હતું કે જો પરીક્ષાને આયોજિત કરવામાં કોઈ ભૂલ થઈ છે, તો એનો સ્વીકાર કરવો જોઈએ. એમાં સુધારો કરવાની જરૂર છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ SVN ભટ્ટીની વેકેશન બેન્ચે સ્વીકાર્યું હતું કે આ પરીક્ષામાં ક્યાંક ગરબડ થઈ છે. કેન્દ્ર અને NTAને ફટકાર લગાવતાં કોર્ટે કેન્દ્ર અને NTA પાસે બે સપ્તાહમાં જવાબ માગ્યો છે.  કોર્ટે સુનાવણી દરમ્યાન NTAને કહ્યું હતું કે કલ્પના કરો કે સિસ્ટમની સાથે છેતરપિંડી કરવાવાળી એક વ્યક્તિ ડોક્ટર બની જાય તો એ સમાજ માટે વધુ નુકસાનકારક સાબિત થાય. આ મુદ્દે કોંગ્રેસ અને AAP સતત કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે.

શું છે મામલો?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે NEET, UG-2024માં પેપરલીકની CBI તપાસની માગની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. ખંડપીઠે હિતેન સિંહ કશ્યપ દ્વારા દાખલ અરજી પર પાંચ મેએ પરીક્ષા આયોજિત કરવાવાળી નેશનલ ટેસ્ટિંગ (NTA) પાસે પણ જવાબ માગ્યો છે.

અરજીકર્તાના વકીલ દિનેશ જોતવાનીએ કહ્યું હતું કે આજે જજ બહુ સ્પષ્ટ હતા અને તેમણે NTAને સંબોધિત કરતાં કહ્યું હતું કે કોર્ટની મદદ કરો, એવું ના વિચારો કે તમે એક ગ્રાહક છો અને આને એક વિરોધાત્મક કાર્યવાહી ના બનાવવામાં આવે. આ વિદ્યાર્થી  વિરુદ્ધ NTA નથી.