છેલ્લા વર્ષની પરીક્ષા સંબંધિત UGCના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર

નવી દિલ્હીઃ દેશનાં 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કેટલીક યુનિવર્સિટીઓના 31 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે ગ્રેજ્યુએટ્સ અને ઉચ્ચ શિક્ષણના કોર્સના છેલ્લા વર્ષના સ્ટુડન્ટ્સની પરીક્ષા ફરજિયાત રૂપે લેવાના UGCના આદેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે. આ વિદ્યાર્થીઓની માગ છે કે CBSEની જેમ તેમનાં પાછલાં પાંચ સેમિસ્ટરના દેખાવ અને આંતરિક મૂલ્યાંકનને આધારે અંક (પોઇન્ટ્સ) આપીને તેમને 31 જુલાઈ સુધી ડિગ્રી આપી દેવામાં આવે.

31માંથી એક સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ છે

આ 31 સ્ટુડન્ટ્સમાંથી એક સ્ટુડન્ટ્સ તો કોરોના પોઝિટિવ છે. સુપ્રીમ કોર્ટે સ્ટુડન્ટ્સની અરજીનો સ્વીકાર કરી લીધો છે. આશા છે કે આ અરજી પર સુનાવણી થશે.

કોરોના સંક્રમણને લીધે સ્ટુડન્ટ્સનું બહાર નીકળવું ઉચિત નથી

આ સ્ટુડન્ટ્સનું સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહેલાં અનુભા શ્રીવાસ્તવ સહાયે કહ્યું હતું કે કોરોના સંક્રમણના જોખમને લીધે વિદ્યાર્થીઓ માટે બહાર નીકળવું યોગ્ય નથી. આવામાં UGCનો આ આદેશ કે યુનિવર્સિટીઓએ ગ્રેજ્યુએટ્સ અને માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ફરજિયાત લેવી એ ખોટું છે. 

UGCએ શો આદેશ આપ્યો હતો?

માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે કોઈ પણ સ્ટુડન્ટ્સની ડિગ્રી પર કોરોનાની અસર નહીં જોવા ઇચ્છે. એટલા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ગ્રેજ્યુએટ્સ- માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષના સ્ટુડન્ટ્સની પરીક્ષા લેવામાં આવે અને એને આધારે તેમને ડિગ્રી આપવામાં આવે. UGCએ આ જ આધારે આદેશ આપતાં કહ્યું હતું કે બધી યુનિવર્સિટીઓએ 30 સપ્ટેમ્બર સુધી છેલ્લા વર્ષની પરીક્ષાઓ લેવાની રહેશે. UGCએ યુનિવર્સિટીઓને એ મંદૂરી આપી હતી કે એ ઓનલાઇન, ઓફલાઇન અથવા મિશ્ર પદ્ધતિથી પરીક્ષાઓ લઈ શકે છે.

UGCએ યુનિવર્સિટીઓનો મત જાણ્યો હતો

UGCએ આ બાબતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ પાસેથી માહિતી મગાવી હતી. આના ઉત્તરમાં 640 યુનિવર્સિટીઓએ જવાબ આપ્યો હતો. 454 યુનિવર્સિટીઓએ કહ્યું હતું કે તેઓ પરીક્ષા કરાવી ચૂકી છે અથવા પરીક્ષા કરાવવાની તૈયારીમાં છે અને એનાથી સંકળાયેલી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે UGCએ જણાવ્યું હતું કે 177 યુનિવર્સિટીઓ હજી પરીક્ષા કરાવવા બાબતે કોઈ અંતિમ નિર્ણય નહોતી લઈ શકી.

પૂર, કોરોના આફતોથી વધી મુસીબતો

દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ ઉત્કર્ષ સિંહ-B.A. (ઓનર્સ, છેલ્લું વર્ષ-સત્યવતી કોલેજ)એ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પહોંચનાર સ્ટુડન્ટ્સ માત્ર પોતાની વાત નતી મૂકી રહ્યા, પણ દેસના સ્ટુડન્ટ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાને કારણે સ્થિતિ બેકાબૂ છે. આ સિવાય પૂરને કારણે દેશનાં અનેક રાજ્યોની સ્થિતિ એવી નથી કે ત્યાંના સ્ટુડન્ટ્સ બહાર નીકળીને પરીક્ષા આપી શકે. આવામાં સારું એ જ રહેશે કે CBSEની જેમ તેમને પણ સમયસર ડિગ્રી આપી દેવામાં આવે.