કોરોના વાઇરસને લીધે આ વર્ષે અમરનાથ યાત્રા રદ કરાઈ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્ર અને શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડે મંગળવારે દેશમાં કોરોના વાઇરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ વર્ષે વાર્ષિક તીર્થયાત્રા (અમરનાથ યાત્રા) રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણય  શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ની બેઠક મળી એ પછી યાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવ્યાને કારણે અમરનાથ યાત્રા અધવચ્ચે બંધ કરવી પડી હતી.

પરિસ્થિતિને આધારે લીધો નિર્ણય

બોર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે કોરોના વાઇરસને લીધે બગડેલી પરિસ્થિતિને આધારે બોર્ડે ભારે મનથી આ નિર્ણય લીધો હતો કે આ વર્ષે શ્રી અમરનાથજી યાત્રાનું આયોજન કરવું અને સંચાલન કરવું યોગ્ય નથી. બોર્ડ લાખ્ખો ભક્તોની ભાવનાઓનું સન્માન કરે છે અને ધાર્મિક ભાવનાઓ જીવિત રાખવા માટે બોર્ડ સવારે અને સાંજે આરતીનું લાઇવ ટેલિકાસ્ટ વર્ચ્યુઅલ દર્શન જારી રાખશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન કરવામાં આવશે અને આ સિવાય સરકાર દ્વારા છડી મુબારકની વિધિની મંજૂરી આપવામાં આવી છે.

પાછલા મહિને સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

આ પહેલાં સુપ્રીમ કોર્ટે એક અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં માગ કરવામાં આવી હતી કે કોવિડ-19 રોગચાળાને કારણે કેન્દ્ર, જેકે વહીવટી તંત્ર અને SASBને વાર્ષિક તીર્થ યાત્રાને રદ કરવા માટે નિર્દેશ આપવામાં આવે. જોકે કોર્ટે સુનાવણી દરમ્યાન આ અરજી કાઢી નાખી હતી.

10 દિવસ માટે યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો

આ પહેલાં યાત્રાને 10 દિવસો માટે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને રદ કરવામાં આવ્યો છે. સેનાએ પણ ઇનપુટ આપ્યા હતા કે અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનું જોખમ છે. ગઈ આઠ જુલાઈએ એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે  આ વર્ષે અમરનાથ યાત્રા કેટલાંક નિયંત્રણો સાથે આયોજિત કરવામાં આવશે અને કોરોના રોગચાળાને કારણે પ્રતિદિન 500થી વધુ તીર્થ યાત્રીઓને ભગવાન શિવની પવિત્ર ગુફા મંદિરની યાત્રા કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.  આ ઉપરાંત ભક્તોએ કોવિડ-19ના પરીક્ષણથી પસાર થવું પડશે. જોકે મંદિરના અધિકારીએ દેશભરમાં ભક્તો માટે ટેલિવિઝન પર પૂજાનું પ્રસારણ કરશે.

રાજનાથ સિંહે બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં

આ પહેલાં શનિવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે અમરનાથમાં બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં હતાં. તેમની સાથે CDS બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે પણ દર્શનનો લાભ લીધો હતો.