નવી દિલ્હીઃ શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કોરોના રોગચાળાની વચ્ચે એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસક્રમો માટે અખિલ ભારતીય પરીક્ષા આયોજિત કરવાના નિર્ણય પર કહ્યું હતું કે પરીક્ષાના આયોજન માટે વાલીઓ અને વિદ્યાર્થી સતત દબાણ કરી રહ્યા છે, લોકો ઇચ્છે છે કે પરીક્ષા આયોજિત કરવામાં આવે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રવેશ માટે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) અને મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આગામી મહિને આયોજિત થવાની છે, પણ કોરોના વાઇરસ રોગચાળાની વચ્ચે NEET-JEEની પરીક્ષાઓ ટાળવાની માગ કેટલાય રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે.
80 ટકા વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે
JEEની ટેસ્ટ આપનારા 80 ટકા વિદ્યાર્થીઓ પહેલેથી જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે. અમે માતા-પિતા અને વિદ્યાર્થીઓના સતત દબાણમાં છીએ, તેઓ અમને સવાલ કરી રહ્યા છે કે અમે JEE અને NEETની મંજૂરી કેમ નથી આપી રહ્યા? વિદ્યાર્થીઓ બહુ ચિંતિત છે. તેમના એમ હતું કે અમે ક્યાં સુધી આ પરીક્ષાની તૈયારી કરતા રહીએ?, એમ તેમણે કહ્યું હતું.
JEE માટે રજિસ્ટર્ડ થયેલા 8.58 લાખ વિદ્યાર્થીઓમાંથી 7.25 લાખ ઉમેદવારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધાં છે. અમે વિદ્યાર્થીઓની સાથે છીએ, તેમની સુરક્ષા પહેલાં થાય, પછી તેમનું શિક્ષણ, એમ તેમણે કહ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી JEE મેઇન અને NEET પરીક્ષાનું આયોજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. JEE મેઇન પરીક્ષા એક સપ્ટેમ્બરથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત કરવામાંઆવશે અને NEET પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે.
કોરોના સંક્રમણથી બચવા માટે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના બધા નિયમો એડમિટ કાર્ડમાં દર્શાવવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીનું ટેમ્પરેચર વધુ હશે તેમના માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે JEE અને NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માસ્ક અને હાથમાં મોજાં પહેરવાનાં રહેશે. આ ઉફરાંત પરીક્ષા પર હેન્ડ સેનિટાઇઝર લઈ જવાનું રહેશે.
