ખેડૂતોના કેસ બાબતે રાજ્ય સરકારો નિર્ણય લેશેઃ તોમર

નવી દિલ્હીઃ ત્રણે કૃષિ કાયદાની સામે જારી કરેલા આંદોલન દરમ્યાન ખેડૂતોની સામે નોંધાયેલા કેસો પર પ્રતિક્રિયા આપતાં કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે જ્યાં સુધી આંદોલન દરમ્યાન કેસ નોંધવાનો સવાલ છે, એ રાજ્ય સરકારનું અધિકાર ક્ષેત્ર છે અને રાજ્ય સરકારો કેસની ગંભીરતા જોઈને એના પર નિર્ણય લેશે.

તેમણે કહ્યું હતું કે વળતરનો સવાલ પણ રાજ્ય સરકારોને આધીન છે અને રાજ્ય સરકારો રાજ્યની નીતિ મુજબ એના પર નિર્ણય લેશે. ત્રણે કૃષિ કાયદાઓને રદ કરવાના એલાન પછી ખેડૂત આંદોલન જારી રાખવાનું કોઈ ઔચિત્ય નથી. હું ખેડૂતોને આંદોલન ખતમ કરવા અને ઘરે પાછા ફરવા માટે વિનંતી કરું છું, એમ તેમણે કહ્યું હતું.

ખેડૂત સંગઠનોએ ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાના ગુનામાંથી મુક્ત કરવાની માગ કરી હતી. કેન્દ્ર સરકારે એની માગને પણ સ્વીકાર કરી લીધો છે. એ સિવાય તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકની વિવિધતા, શૂન્ય બજેટની સાથે ખેતી અને MSP પ્રણાલીને વધુ પારદર્શી અને અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિચાર માટે એક સમિતિની રચના કરવાની ઘોષણા કરી છે, જેમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ હશે.

તેમણે કહ્યું હતું કે ત્રણે કૃષિ કાયદાઓને રદ કરવાવાળું બિલ શિયાળુ સત્રના પહેલા દિવસે સંસદમાં રજૂ કરવામાં આવશે. વડા પ્રધાનની જાહેરાત પછી બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં ત્રણે કાયદાઓને પરત લેવાનારા બિલને મંજૂરી મળી ગઈ હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.