તિરુવનંતપુરમઃ નૈઋત્ય ખૂણેથી ભારતમાં પ્રવેશ કરતા ચોમાસાની ઋતુના વાદળોએ આજે દક્ષિણના રાજ્ય કેરળની ધરતી પર આગમન કર્યું છે. હવે ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય ભાગોને પણ આવરી લેશે. કેરળમાં ચોમાસું આ વખતે ત્રણ દિવસ વહેલું પધાર્યું છે. સામાન્ય રીતે દર વર્ષે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. દેશમાં દર વર્ષે 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા દરમિયાન પડે છે.
નૈઋત્યનું ચોમાસું ભારતના ખેતીવાડી-આધારિત અર્થતંત્રની જીવાદોરી ગણાય છે. ભારતનું ખરું નાણાં પ્રધાન તો આ ચોમાસું છે. આ ચોમાસું સમયસર પધારે એની દેશનાં લોકો, ખાસ કરીને ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે.