રાહુલ ગાંધીએ વર્ધામાં ગાંધીજયંતી ઉજવી: સેવાગ્રામ આશ્રમમાં જમીને વાસણો જાતે ધોઈ નાખ્યા

વર્ધા (મહારાષ્ટ્ર) – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તથા એમના માતા સોનિયા ગાંધીએ આજે ગાંધીજયંતીની ઉજવણી અત્રે મહાત્મા ગાંધીના આશ્રમ સેવાગ્રામ કુટી (બાપુ કુટી) ખાતે પ્રાર્થના સભામાં ભાગ લઈને કરી હતી. એમણે તથા અન્ય કોંગ્રેસી નેતાઓએ આશ્રમમાં ભોજન લીધું હતું અને પછી પોતપોતાનાં થાળી-વાટકો જાતે ધોઈ નાખ્યા હતા.

સોનિયા ગાંધી, જેઓ યુપીએ સંગઠનના અધ્યક્ષા છે, તેઓ તથા રાહુલ અને પક્ષના અન્ય નેતાઓ આશ્રમમાં પ્રસાદ લીધા બાદ એક જાહેર નળ પાસે વાંકા વળીને પોતપોતાનાં થાળી-વાટકો ધોતાં હોય એવું એક વિડિયોમાં જોઈ શકાય છે.

બાપુ કુટી ખાતે સોનિયા અને રાહુલ ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તેમજ કોંગ્રેસ કારોબારી સમિતિના અન્ય સભ્યો પણ હાજર રહ્યાં હતાં.

રાહુલે ત્યારબાદ આશ્રમમાં એક છોડ રોપ્યો હતો. રાહુલે એમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ 1986માં બીજી ઓક્ટોબરે રોપેલા છોડ, જે હવે એક વૃક્ષ બની ગયું છે, તેની બાજુમાં જ આજે છોડ રોપ્યો હતો. સેવાગ્રામ ખાતે રાહુલની આ બીજી મુલાકાત છે. 2014ની 24 જાન્યુઆરીએ તેઓ અહીં આવ્યા હતા.

કોંગ્રેસ નેતાગીરીના સભ્યો પક્ષની કારોબારી સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે સેવાગ્રામ ગામમાં આવ્યા છે. 78 વર્ષ બાદ આ બેઠક ફરી અહીં યોજાઈ રહી છે. 1940માં સેવાગ્રામમાં કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી હતી અને ત્યારે અંગ્રેજોને ઉદ્દેશીને ‘ભારત છોડો’ (ક્વીટ ઈન્ડિયા) ચળવળ 1942ની 14 જુલાઈએ શરૂ કરવાના ઠરાવને પાસ કરવામાં આવ્યો હતો.

ભારત છોડો ચળવળ 1942ની 8 ઓગસ્ટે મુંબઈમાં શરૂ કરવામાં આવી હતી જે ભારતની આઝાદીની ચળવળમાં ટર્નિંગ પોઈન્ટ બની હતી.

આજની પ્રાર્થના સભામાં ગુલામ નબી આઝાદ, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા, પુડુચેરીના મુખ્ય પ્રધાન નારાયણસામી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો શિવરાજ પાટીલ, સુશીલકુમાર શિંદે, એ.કે. એન્ટની, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. હુડ્ડા, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરિશ રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.

httpss://twitter.com/ANI/status/1047054524890980352